
- લિંબીયા વગામાં ગંજીફાના પત્તાથી રમાતો હતો જુગાર; રૂ. 70 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ફરાર.
વડોદરા, 17 જુલાઈ (હિ.સ.) : વડોદરા જિલ્લાના ભાદરવા વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ સામે ભાદરવા પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે લિંબીયા વગામાં ખુલ્લી જગ્યાએ ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે પંચોની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આરોપીઓ ગંજીફાના 52 પત્તા વડે હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 42,500 રોકડા તેમજ જુગારના દાવ પરથી રૂ. 27,580 રોકડા મળી કુલ રૂ. 70,080નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રોકડ રકમ ઉપરાંત ગંજીફાના પત્તાનો પણ સમાવેશ થાય છે. દરોડા દરમિયાન એક આરોપી અર્જુનભાઈ નારાયણભાઈ માછી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ભાદરવા પોલીસે તમામ આરોપીઓ સામે ગુજરાત જુગાર પ્રતિબંધક અધિનિયમની કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ