મહુવામાં હનુમંત ફીડરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહેવાસીઓમાં રોષ, PGVCLને રજૂઆત
ભાવનગર, 17 જુલાઈ (હિ.સ.)મહુવા શહેરના હનુમંત ફીડર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાતો હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન અનેક વખત લાઈટ જતી રહેતી હોવાથી ઘરગથ્થુ કામકાજ, વેપાર
રજૂઆત કરવામાં આવી


ભાવનગર, 17 જુલાઈ (હિ.સ.)મહુવા શહેરના હનુમંત ફીડર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાતો હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન અનેક વખત લાઈટ જતી રહેતી હોવાથી ઘરગથ્થુ કામકાજ, વેપાર-ધંધા તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ તેની સીધી અસર પડી રહી છે. ખાસ કરીને હાલના વરસાદી માહોલમાં સતત વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે સ્થાનિક રહેવાસીઓએ આજે મહુવા સ્થિત PGVCL કચેરી ખાતે પહોંચીને અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન રહેવાસીઓએ જણાવ્યું હતું કે હનુમંત ફીડર વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો બંધ થવાના કારણે રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે. તેમણે તાત્કાલિક ટેકનિકલ તપાસ કરીને ખામી દૂર કરવા અને નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.

PGVCLના અધિકારીઓએ રજૂઆતને ગંભીરતાથી લઈ રહેવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે હનુમંત ફીડર સંબંધિત સમસ્યાની તપાસ હાથ ધરવામાં આવશે અને જે પણ ટેકનિકલ ખામી હશે તેને ઝડપથી દૂર કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે શક્ય તેટલા ઓછા સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે જેથી સ્થાનિકોને નિયમિત અને અવિરત વીજ પુરવઠો મળી રહે.

અધિકારીઓના આ આશ્વાસન બાદ સ્થાનિક રહેવાસીઓએ વહેલી તકે પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ જો સમસ્યાનું સમયસર નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande