


- દાંડિયા બજારના જોષી વકીલ બિલ્ડિંગ પાસે ગટર ઉભરાવાની ફરિયાદ છતાં ઉકેલ નહીં, તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે આક્રોશ
વડોદરા, 17 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા જોષી વકીલ બિલ્ડિંગ પાસે છેલ્લા ચાર વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆતો છતાં આજદિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા રહિશોએ તંત્ર સામે ખુલ્લેઆમ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારની ગટર લાઈન વારંવાર ચોકઅપ થઈ જતાં ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વેપારીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગંદકી અને દુર્ગંધના કારણે આરોગ્ય પર પણ વિપરીત અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વડોદરાને સ્માર્ટ સિટી તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ શહેરના મધ્ય વિસ્તારમાં જ વર્ષો જૂની મૂળભૂત સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. વિસ્તારના કાઉન્સિલરો અને ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરવા છતાં નવી ગટર લાઈન નાખવા કે કાયમી નિરાકરણ લાવવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ધારાસભ્ય બાલુ શુક્લાને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સમસ્યા યથાવત છે. હવે સ્થાનિકોએ તાત્કાલિક નવી ગટર લાઈન નાખી કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે મહાનગરપાલિકા અને સંબંધિત તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ