

- CS, CA, CMA અને નોકરી કરતા વિદ્યાર્થીઓને રાહત આપવા તેમજ કોમર્સ ફેકલ્ટીની કોઈપણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાની મંજૂરી આપવા માંગ.
વડોદરા, 17 જુલાઈ (હિ.સ.) : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે અમલમાં મુકાયેલા 75 ટકા ફરજિયાત હાજરીના નિયમને લઈને ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓના હિતમાં બે મહત્વની માંગણીઓ રજૂ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે CS, CA, CMA જેવા પ્રોફેશનલ કોર્સની તૈયારી કરતા તેમજ આર્થિક મજબૂરીને કારણે નોકરી કરતા વિદ્યાર્થીઓને 75 ટકા હાજરીના નિયમમાં રાહત આપવામાં આવે. આવા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હાજરીના નિયમને કારણે અભ્યાસ અને કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે.
આ ઉપરાંત દૂર-દરાજના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીની ચારેય બિલ્ડિંગમાંથી કોઈપણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. રજૂઆત મુજબ પાદરા બિલ્ડિંગ ઘણા વિદ્યાર્થીઓ માટે દૂર પડતી હોવાથી તેમને મુખ્ય, યુનિટ અથવા ગર્લ્સ બિલ્ડિંગમાં અભ્યાસ કરવાની છૂટ મળે તો નિયમિત રીતે વર્ગોમાં હાજરી આપી શકશે.
નિખિલ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે હાલમાં હાજરીને લઈને વિદ્યાર્થીઓ પર અતિશય દબાણ કરવામાં આવી રહ્યું છે. લેક્ચર દરમિયાન ભણતર કરતાં હાજરીની પ્રક્રિયામાં વધુ સમય જતો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. એક વખત સહી લીધા બાદ ફરીથી વિદ્યાર્થીઓના નામ બોલાવી અને હાજરી ચકાસવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે માનસિક તણાવનું કારણ બની રહી હોવાનું તેમણે જણાવ્યું.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી તંત્ર યોગ્ય નિર્ણય લે અને હાજરીના નિયમમાં જરૂરી રાહત આપે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. હવે યુનિવર્સિટી તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર વિદ્યાર્થીઓની નજર મંડાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ