
પાટણ, 17 જુલાઈ (હિ.સ.)પાટણની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ₹10,15,888ના ચેક રીટર્ન કેસમાં શિક્ષક બચુજી મફાજી ઠાકોરને નિર્દોષ જાહેર કર્યા છે. આ ફરિયાદ પાટણ-સરસ્વતી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની માલ-ધિરાણ અને ગ્રાહક સહમંડળી દ્વારા દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, બચુજી ઠાકોરે વર્ષ 2017માં મંડળી પાસેથી ₹6 લાખની લોન લીધી હતી અને બાકી રકમ પેટે ઓગસ્ટ-2024માં ₹10,15,888નો ચેક આપ્યો હતો. ચેક અપૂરતા નાણાંના કારણે પરત ફરતા મંડળીએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના દસ્તાવેજોમાં ગંભીર વિસંગતતાઓ સામે આવી હતી. લોનની રકમ, માસિક હપ્તા, બાકી રકમ અને વ્યાજની ગણતરી અંગે કોઈ સ્પષ્ટ દસ્તાવેજી પુરાવા રજૂ થઈ શક્યા નહોતા. ઉપરાંત, અરજી સમયે કોરા ચેક સિક્યુરિટી તરીકે લેવાયા હોવાની બાબત પણ સામે આવી હતી.
કોર્ટે ચેક રજૂ કરવાની તારીખ, રીટર્ન મેમો અને લોન રિન્યૂઅલ સંબંધિત પુરાવાઓમાં પણ વિરોધાભાસ નોંધ્યો હતો. ફરિયાદી પક્ષ બાકી રકમ સાબિત કરવામાં નિષ્ફળ રહેતા મેજિસ્ટ્રેટ સ્વાતિ ખત્રીએ બચુજી મફાજી ઠાકોરને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ