
ભાવનગર, 17 જુલાઈ (હિ.સ.) ભાવનગરમાં યોજાયેલી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભીડમાં પોતાના પિતાથી વિખૂટા પડી ગયેલા બે નાના બાળકોને ભાવનગર જિલ્લા પોલીસની સતર્કતા અને ત્વરિત કામગીરીના કારણે સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.પોલીસ કર્મચારીઓએ તરત જ બાળકોને સાંત્વના આપી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા અને તેમની પાસેથી જરૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. સાથે જ કંટ્રોલ રૂમ અને જાહેર સંબોધન પ્રણાલી મારફતે બાળકોના પરિવારજનોને શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પોલીસની ઝડપી કામગીરીના પરિણામે થોડા જ સમયમાં બાળકોના પિતાની ઓળખ થઈ હતી. જરૂરી ચકાસણી બાદ બંને બાળકોને તેમના પિતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવવામાં આવ્યા હતા. પોતાના બાળકોને ફરીથી સુરક્ષિત જોઈ પિતાએ ભાવનગર જિલ્લા પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
રથયાત્રા જેવા વિશાળ ધાર્મિક કાર્યક્રમોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે લોકોની સુરક્ષા અને મદદ માટે પણ પોલીસ સતત કાર્યરત રહે છે. આ ઘટનામાં ભાવનગર જિલ્લા પોલીસે માત્ર ફરજ જ નહીં, પરંતુ માનવતા, સંવેદનશીલતા અને સેવા ભાવનાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવી સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA