
સોમનાથ,17 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલી દરિયાઈ રેતીની ચોરી સામે આખરે તંત્ર સક્રિય બન્યું છે. તાલુકાના કદવાર અને લાટી ગામ વચ્ચે આવેલા દરિયા કિનારે ગેરકાયદેસર રીતે દરિયાઈ રેતીનું ખનન અને પરિવહન થતું હોવાની બાતમીના આધારે સુત્રાપાડા મામલતદાર કચેરીના સ્ટાફે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સુત્રાપાડા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર નિશા કે. જાદવના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે સ્થળ પર અચાનક રેડ કરી હતી. દરમિયાન ગેરકાયદેસર રીતે દરિયાઈ રેતી ભરી રહેલા ત્રણ ટ્રેક્ટરોને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ટ્રેક્ટરોને કબજે લઈ સુત્રાપાડા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.બાદમાં સમગ્ર મામલાની જાણ ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓને કરવામાં આવી હતી. હાલ ઝડપાયેલા ટ્રેક્ટરો અંગે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુત્રાપાડા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લાંબા સમયથી દરિયાઈ રેતીની ચોરી થતી હોવાના આક્ષેપો અને ફરિયાદો ઉઠતી રહી છે. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થવાના કારણે ગેરકાયદેસર ખનન બેફામ ચાલતું હોવાની ચર્ચાઓ હતી.
આખરે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ દરિયાઈ રેતીના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળે છે. જોકે સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે આવી કાર્યવાહી માત્ર એકાદ વખત પૂરતી સીમિત ન રહે, પરંતુ દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ અને કડક દેખરેખ રાખી ગેરકાયદેસર રેતી ચોરીના કાયમી નિવારણ માટે અસરકારક પગલાં ભરવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ