
સુરત, 17 જુલાઈ (હિ.સ.): સુરત શહેરમાં લગભગ 10 દિવસના વિરામ બાદ ગુરુવારે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો. વેસુ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી, પરંતુ અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ. ખાસ કરીને ઉધના-સચિન રોડ પર પાંચથી છ ઇંચ જેટલું પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
ઉધના-સચિન રોડ પર ચોમાસાની શરૂઆતથી ત્રીજી વખત પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. રોજ હજારો વાહનો તેમજ સચિન જીઆઇડીસીમાં આવતા-જતા શ્રમિકો અને વેપારીઓ માટે આ માર્ગ મહત્વનો હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર પાણી ભરાયેલા રસ્તાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે અને પ્રી-મોન્સૂન કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે.
અગાઉ 7 જુલાઈએ પડેલા ભારે વરસાદ દરમિયાન શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબોળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આજે ફરી ભારે વરસાદ શરૂ થતાં લોકોમાં આવી જ પરિસ્થિતિ ફરી સર્જાવાની ચિંતા વધી છે. જો વરસાદ સતત ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવન પર ફરી અસર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે