જામનગરમાં ઓનલાઈન આઈ.ડી. ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો એક શખ્સ ઝડપાયો
જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી ''સી'' ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ. 1,600ની રોકડ રકમ અને રૂ. 70,000 કિંમતનો એપલ કંપનીનો મોબાઇ
ક્રિકેટ સટ્ટો


જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી 'સી' ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ. 1,600ની રોકડ રકમ અને રૂ. 70,000 કિંમતનો એપલ કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 71,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે માસ્ટર આઈ.ડી. પૂરી પાડનાર સહિત અન્ય આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાની ફરિયાદના આધારે નોંધાયેલા ગુના મુજબ, સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ખોડીયાર કોલોની મેઈન રોડ પર શેલ પેટ્રોલ પંપ પાસે એક વ્યક્તિ હાલમાં ચાલી રહેલી ઝિમ્બાબ્વે-બાંગ્લાદેશ ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ જોઈ મોબાઇલ મારફતે સેશન તથા મેચના હારજીતના સોદા કરાવી ક્રિકેટ સટ્ટો ચલાવી રહ્યો છે.

બાતમીના આધારે પંચોની હાજરીમાં દરોડો પાડતાં આરોપી અંકુર મનોજભાઈ પરમાર ઝડપાયો હતો. તેના મોબાઇલ ફોનની તપાસ દરમિયાન પારકર-777 નામની માસ્ટર આઈ.ડી. મળી આવી હતી, જેમાં લાખો રૂપિયાનું બેલેન્સ દર્શાવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પૂછપરછ દરમિયાન આરોપીએ આ માસ્ટર આઈ.ડી.માંથી અલગ-અલગ ગ્રાહકોને જુગાર રમવા માટે આઈ.ડી. આપ્યાનું તેમજ અમદાવાદના અભિષેક રાજાણી, તેમજ તેનો એક મિત્ર અને વિશાલ ભારડદીયા સહિત અન્ય વ્યક્તિઓને જુદી જુદી મર્યાદાના બેલેન્સ સાથે આઈ.ડી. ફાળવ્યાનું કબૂલ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. મોબાઇલના સ્ટેટમેન્ટમાં ઝિમ્બાબ્વે-બાંગ્લાદેશ મેચ ઉપરાંત અન્ય ક્રિકેટ મેચોના સોદા થયાના પુરાવા પણ મળ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande