દાહોદ જિલ્લાના ઝાલોદમાં માતાએ બે બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા
દાહોદ/અમદાવાદ, 17 જુલાઇ (હિ.સ.) : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. એક 23 વર્ષીય પરિણીત માતાએ પોતાની બે માસૂમ દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે
દાહોદ જિલ્લાના ઝાલોદમાં માતાએ બે બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા


દાહોદ/અમદાવાદ, 17 જુલાઇ (હિ.સ.) : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. એક 23 વર્ષીય પરિણીત માતાએ પોતાની બે માસૂમ દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. માસૂમ બાળકીઓ અને માતાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ગત 16 જુલાઈએ રાત્રે 9:00 વાગ્યે અનવરપુરા ગામમાં રહેતા 23 વર્ષીય સુનીતા પપ્પુભાઈ કલારાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની બે માસૂમ દીકરીઓ 3 વર્ષની પ્રાચી અને દોઢ વર્ષની વંશી સાથે ગામમાં આવેલા એક કૂવામાં ઝંપલાવ્યું હતું. એકસાથે ત્રણ લોકોના મોત ના સમાચારથી સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત આ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા ઝાલોદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કૂવામાં કલાકો સુધી ભારે જહેમત સાથે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં સુનીતાબેન અને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ લાંબી શોધખોળના અંતે બીજી બાળકીના મૃતદેહને પણ કૂવાના ઊંડા પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.

માતાએ પોતાની બે માસૂમ દીકરીઓ સાથે આવું આક્રમક અને અંતિમ પગલું પારિવારિક કંકાસ કે માનસિક તણાવના કારણે ભર્યું, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. આ સમગ્ર મામલે ઝાલોદ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારજનોની પૂછપરછ અને વિગતવાર તપાસ પૂર્ણ થયા બાદ જ આ આપઘાત પાછળનું સાચું કારણ સામે આવી શકશે

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande