
ભાવનગર, 17 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણપ્રેમી બનાવવા માટે ગ્રીન સિટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે શહેરના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવા વિશેષ વૃક્ષ વાવો – સરપ્રાઈઝ ગિફ્ટ મેળવો અભિયાન શરૂ કર્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ દરેક પરિવારને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવાનો અને શહેરમાં હરિયાળીનું પ્રમાણ વધારવાનો છે.યોજના અંતર્ગત કોઈપણ નાગરિક પોતાના ઘર, આંગણું, સોસાયટી, ખુલ્લી જગ્યા અથવા આસપાસની યોગ્ય જગ્યાએ એક વૃક્ષ વાવી તેનો સુંદર ફોટોગ્રાફ ટ્રસ્ટને મોકલી શકે છે.
ફોટો સાથે પોતાનું નામ, મોબાઈલ નંબર અને સંપૂર્ણ સરનામું પણ મોકલવાનું રહેશે. આ વિગતો વોટ્સએપ નંબર 9825960988 પર મોકલવાની રહેશે. ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત થયેલી એન્ટ્રીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ચોમાસાના અંતે પસંદગીના પર્યાવરણપ્રેમી નાગરિકોને વિશેષ સરપ્રાઈઝ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે. ગિફ્ટ અંગેની વિગત આગામી સમયમાં ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવશે. ટ્રસ્ટના આગેવાનોનું માનવું છે કે જો દરેક નાગરિક માત્ર એક વૃક્ષ વાવે અને તેનું જતન કરવાની જવાબદારી સ્વીકારે તો ભાવનગર શહેર આગામી વર્ષોમાં વધુ હરિયાળું, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બની શકે છે.
ગ્રીન સિટી ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી ભાવનગર શહેરમાં પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ અને વૃક્ષોના સંરક્ષણ માટે સતત કાર્યરત છે. માત્ર વૃક્ષો વાવવાનું જ નહીં, પરંતુ તેનું જતન અને સફળ ઉછેર થાય તે માટે પણ સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બે લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સફળ ઉછેર કરવામાં આવ્યો છે.વૃક્ષોની નિયમિત દેખરેખ, પાણી, ખાતર અને જાળવણી માટે ગ્રીન સિટી ટ્રસ્ટ દર મહિને અંદાજે ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે.
આ કાર્યમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને પર્યાવરણપ્રેમી દેવેનભાઈ શેઠ મોટાભાગનો આર્થિક ખર્ચ ઉઠાવી સંસ્થાને સતત સહયોગ આપી રહ્યા છે. તેમના સહકારથી હજારો વૃક્ષો આજે લીલાછમ બની શહેરના પર્યાવરણને સમૃદ્ધ બનાવી રહ્યા છે. ગ્રીન સિટી ચેરીટેબલ ટ્રસ્ટે શહેરના તમામ નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA