
નવસારી, 17 જુલાઈ (હિ.સ.): બીલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં 28 વર્ષીય ચિરાગ મિસ્ત્રીના આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવકે જીવન ટૂંકાવતાં પહેલાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રૂપમાં અંદાજે 9 મિનિટનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેણે પોતાની માનસિક સ્થિતિ વિશે વાત કરી હતી અને પોલીસકર્મી સહિત ચારથી પાંચ વ્યક્તિઓના નામ લઈને તેમના તરફથી ત્રાસ મળ્યાનો આક્ષેપ કર્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં બીલીમોરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. લીમડા ચોક નજીક આવેલા એક જૂના બંધ મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થળની તપાસ દરમિયાન ઝેરી દવાની ખાલી બોટલ પણ મળી આવતાં પોલીસે આપઘાત પહેલાંની તમામ પરિસ્થિતિઓ અને અન્ય સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.
પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આપઘાત પહેલાં વાયરલ કરાયેલો વીડિયો તપાસમાં મહત્વના પુરાવા તરીકે તપાસવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જેમના નામનો ઉલ્લેખ થયો છે, તેમની ભૂમિકા અંગે પૂછપરછ સહિત તમામ હકીકતોની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે