લોકભારતી સણોસરામાં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ સન્માન સમારોહ યોજાયો
ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા અને કલ્પસર સહયોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીના અભિનવ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વિનુ ભાઈ નું સન્માન કરવાં આવ્યું


ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા અને કલ્પસર સહયોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીના અભિનવ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સી. આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત–૨૦૪૭ના વિઝનમાં પાણી સંચય અને જળ વ્યવસ્થાપનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કલ્પસર યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્ર દેશનો સૌથી વધુ પાણીદાર અને હરિયાળો પ્રદેશ બનશે. તેમણે પાણીના સંરક્ષણને સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી દરેક નાગરિકને જળસંગ્રહ માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

સન્માનિત વિનુભાઈ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ખંભાતનો અખાત પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે અને અહીં કલ્પસર યોજના સાકાર થવાથી ગુજરાતના વિકાસને નવી દિશા મળશે. તેમણે નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલાં કરેલા કલ્પસરના સંકલ્પને હવે સાકાર થવાની આશા વ્યક્ત કરી હતી.

કલ્પસર સહયોગ સમિતિ દ્વારા પુરુષોત્તમભાઈ કમાણી સહિતના મહાનુભાવોના હસ્તે વિનુભાઈ ગાંધીનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન તેમને રૂ. ૧૧,૧૧,૧૧૧ની સન્માન રકમ અર્પણ કરવામાં આવી હતી. વિનુભાઈ ગાંધીએ તેમાં પોતાના તરફથી રૂ. ૧૧,૧૧૧ ઉમેરી કુલ રકમ કલ્પસરના જનજાગૃતિ અને સેવાકાર્ય માટે સમિતિને પરત અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષણપ્રેમીઓ, સમાજના અગ્રણીઓ અને કલ્પસરના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande