
ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના યુવાનોને કૌશલ્ય આધારિત શિક્ષણ અને રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવવા માટે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), સિહોર ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ અંતર્ગત એડમિશન પ્રક્રિયાનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ રાઉન્ડ હેઠળ તા. ૧૮ જુલાઈથી તા. ૨૨ જુલાઈ, ૨૦૨૬ સુધી ઉમેદવારો પ્રવેશ માટે અરજી કરી શકશે.
આઈ.ટી.આઈ. સિહોર ખાતે વેલ્ડર, ફીટર, વાયરમેન, ટુ વ્હીલર મિકેનિક, કોપા (COPA), હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર (H.S.I.), રેફ્રિજરેશન અને એર કન્ડીશનિંગ તેમજ પ્લમ્બર સહિત વિવિધ રોજગારલક્ષી ટ્રેડમાં પ્રવેશ આપવામાં આવશે. આ અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ પ્રાયોગિક અને ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે, જેના પરિણામે રોજગારી તેમજ સ્વરોજગારની સારી તકો ઉપલબ્ધ બને છે.
પ્રવેશ માટે પાત્ર ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ પ્રવેશ, ટ્રેડની બેઠકો, લાયકાત, જરૂરી દસ્તાવેજો અને અન્ય માહિતી માટે ઉમેદવારોને સરકારી આઈ.ટી.આઈ., સિહોર ખાતે રૂબરૂ સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
આચાર્ય, સરકારી આઈ.ટી.આઈ. સિહોર દ્વારા પ્રસિદ્ધ અખબારી યાદીમાં જણાવાયું છે કે કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં રસ ધરાવતા વધુમાં વધુ યુવાનો આ તકનો લાભ લઈ પોતાના ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે. વિદ્યાર્થીઓને સમયસર અરજી કરીને પોતાના પસંદગીના ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA