
ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.)ભાવનગર શહેરમાં નાગરિકોને વધુ સુવિધાસભર શહેરી માળખું ઉપલબ્ધ કરાવવાના હેતુસર SJMMSVY, અમૃત 2.0 યોજના તથા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારની ગ્રાન્ટ હેઠળ રૂ. 21.22 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમને કારણે ભાવનગર શહેરમાં પાયાની સુવિધાઓ સતત મજબૂત બની રહી છે. કુંભારવાડા વિસ્તારમાં 20 લાખ લિટર ક્ષમતાનો સંપ અને 15 લાખ લિટર ક્ષમતાની ઊંચી પાણીની ટાંકી કાર્યરત થતાં સ્થાનિક નાગરિકોને નિયમિત અને વધુ સુવ્યવસ્થિત પીવાના પાણીનો લાભ મળી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે શહેરમાં પાણી પુરવઠા, ડ્રેનેજ અને માર્ગ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે અનેક માળખાકીય વિકાસકાર્યો હાથ ધરાયા છે. વાડીલા નાળાથી દસ નાળા સુધી આશરે રૂ. 29 કરોડના ખર્ચે માર્ગ નિર્માણ ચાલી રહ્યું છે, જ્યારે આગામી તબક્કામાં આશરે રૂ. 80 કરોડના ખર્ચે આર.સી.સી. માર્ગો બનાવવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવશે.
લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયેલા વિકાસકાર્યોમાં ભીમ પાર્ક સોસાયટીમાં આર.સી.સી. રોડ, નારી ગામના જૂના ચોરાનું નવીનીકરણ, નીલમબાગ સ્વિમિંગ પુલનું રિનોવેશન, મારુતિ યોગ આશ્રમ પ્રાથમિક શાળા નં. 83માં કમ્પાઉન્ડ વોલ અને રિપેરિંગ, વિવિધ વિસ્તારોમાં ડી.આઈ. પાણીની લાઇન અને ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડેશન, કુંભારવાડા, ગોપાલનગર, રામદેવનગર, ગીરનાર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠા અને માર્ગ વિકાસના કામોનો સમાવેશ થાય છે.
મંત્રી વાઘાણીએ જણાવ્યું કે વિકાસનો હેતુ માત્ર માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનો નથી, પરંતુ નાગરિકોના જીવનને વધુ સુવિધાસભર, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બનાવવાનો છે. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ, પાણી, ડ્રેનેજ અને અન્ય મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે તેમજ ભાવનગરના સર્વાંગી શહેરી વિકાસને નવી ગતિ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA