

- દેશભરમાંથી 380 થી વધુ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ Connecting stakeholders, strengthening democracy થીમ હેઠળ એક મંચ પર આવ્યા - 95 કરોડ મતદારો ધરાવતી ભારતની મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
ગાંધીનગર, 18 જુલાઈ (હિ.સ.) ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા 17 જુલાઈ,2026 ના રોજ નવી દિલ્હી ખાતે પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ 2026 ' નું આયોજન કરવામાં આવ્યું હતું. Connecting stakeholders, strengthening democracy: Role of media in elections (હિતધારકોને જોડવા, લોકશાહીને મજબૂત કરવી: ચૂંટણીમાં મીડિયાની ભૂમિકા) ના મુખ્ય સૂત્ર હેઠળ યોજાયેલી આ પરિષદમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 380 થી વધુ મીડિયા પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો.
આ પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણીઓ સંપૂર્ણપણે ભારતીય બંધારણ, ચૂંટણી કાયદાઓ અને પંચના વખતોવખતના દિશાનિર્દેશો અનુસાર જ યોજાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું તેમાં સંકળાયેલા તમામ હિતધારકો દ્વારા સમવર્તી ઓડિટ (Concurrent Audit) કરવામાં આવે છે.
પરિષદના મુખ્ય અંશો અને મહત્વની વિગતો:
• મતદાર યાદીની સચોટતા: મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે દેશના આશરે 95 કરોડ નાગરિકોના નામ ધરાવતી ભારતની મતદાર યાદી એક જીવંત અને ગતિશીલ દસ્તાવેજ છે. કાયદાકીય સુરક્ષા માળખા હેઠળ આ યાદી તૈયાર કરવા માટે 12 લાખથી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને 15 લાખથી વધુ બૂથ લેવલ એજન્ટ્સ (BLAs) સમવર્તી ઓડિટર્સ તરીકે અવિરત કામ કરી રહ્યા છે.
• મતદારોનો અભૂતપૂર્વ વિશ્વાસ: તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં નોંધાયેલા રેકોર્ડબ્રેક મતદાનને ભારતીય લોકશાહીની જીવંતતા અને ચૂંટણી તંત્ર પર પ્રજાના અડગ વિશ્વાસના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ સાથે જ, ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશમાં સક્રિય ભાગીદારી બદલ દેશના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરાયો હતો.
• પારદર્શિતા અને તકનીકી નિદર્શન: મીડિયા પરિષદની શરૂઆત બંધારણીય જોગવાઈઓ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને 1951 હેઠળની પારદર્શિતા તેમજ 'ECINET' પ્લેટફોર્મ અને ચૂંટણીમાં ટેકનોલોજીની ભૂમિકાની વિસ્તૃત સમીક્ષા સાથે થઈ હતી.
આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓને વિવિધ જૂથોમાં વહેંચીને મતદાર યાદી તૈયાર કરવાની પદ્ધતિ, મતદાન પ્રક્રિયા અને મતગણતરી પ્રક્રિયાનું જીવંત નિદર્શન (Demonstration) આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, મીડિયા જગતના વ્યાવસાયિકોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વપરાતા વિવિધ વૈધાનિક ફોર્મ્સનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાની તક મળી હતી. પરિષદના અંતે પત્રકારો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એક વિશેષ પ્રશ્નોત્તરી (Q&A) સત્ર યોજીને મીડિયાના પ્રશ્નોના હકારાત્મક જવાબો આપ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ