
સુરત, 18 જુલાઈ (હિ.સ.): ચોમાસાની સીઝનમાં જયારે શહેરમાં જર્જરિત અને જુના મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે.ત્યારે શહેર સિનેમા રોડ વિસ્તારમાં વધુ એક જર્જરિત મકાન જોખમી હાલતમાં જોવા મળી રહ્યું છે. ભાગળ ચાર રસ્તા સામે મોતી ટોકીઝ નજીક આવેલું આ જૂનું મકાન અત્યંત જર્જરિત બની ગયું હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. મકાનની હાલતને કારણે આસપાસના રહેવાસીઓ અને રસ્તેથી પસાર થતા લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, સુરત મહાનગરપાલિકા દ્વારા મકાનના રિ-ડેવલપમેન્ટ અંગે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર નોટિસ આપીને ઓપચારિકતા પૂર્ણ કરવામાં આવી હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ વિસ્તાર વ્યસ્ત હોવાથી દિવસભર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં જો મકાન અચાનક ધરાશાયી થાય તો જાનહાનિ અને મોટું નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સ્થાનિકોએ મનપા પાસે તાત્કાલિક જોખમી મકાન અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મકાન ધરાશાયી થઈ કોઈ દુર્ઘટના સર્જાય, તો તેની જવાબદારી કોણ લેશે? હાલ સ્થાનિકોમાં વહેલી તકે સુરક્ષાત્મક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે