

વડોદરા , 18 જુલાઈ (હિ.સ.) એક માસ અગાઉ ડભોઇમાં પોલીસકર્મી પર થયેલા હુમલાના કેસ બાદ પોલીસ અને ડભોઇ નગરપાલિકાએ સંયુક્ત રીતે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી બાદ હવે તેમના ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવી રહ્યા છે.ડભોઇના સુરજ ફળિયા વિસ્તારમાં આરોપી સિકંદર ફારુકભાઈ ગરાસિયાના ગેરકાયદેસર બાંધકામને પોલીસ અને નગરપાલિકાની ટીમે બુલડોઝર ચલાવી તોડી પાડ્યું હતું. કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક માસ અગાઉ મહુડી ભાગોળ વિસ્તારમાં ફરજ પર રહેલા બીટ જમાદાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો અને તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે આ કેસમાં અત્યાર સુધી 4 આરોપીઓને પાસા (PASA) હેઠળ અટકાયત કરીને ભરૂચ જેલ મોકલી આપ્યા છે. હવે ગેરકાયદેસર દબાણો સામે પણ કાર્યવાહી હાથ ધરાતા કાયદો હાથમાં લેનાર તત્વો સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે.
પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરનારાઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ