
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) પોરબંદરની ચર્ચિત દ્વારકેશ હોટલ મારામારી કેસમાં જિલ્લા કોર્ટે આરોપી પ્રતાપ ઉર્ફે ચોટલી, માલદે મોઢવાડિયા સહિતના આરોપીઓને શરતોને આધીન નિયમિત જામીન મંજૂર કર્યા છે.
9 જુલાઈ, 2026ના રોજ દ્વારકેશ હોટલના સંચાલક હરીશ ઉર્ફે હેરી મેરામણ બાપોદરાએ ઉદ્યોગનગર પોલીસ મથકે પ્રતાપ ઉર્ફે ચોટલી, માલદે મોઢવાડિયા અને અન્ય વ્યક્તિઓ સામે તલવાર જેવા જીવલેણ હથિયાર વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
ત્યારબાદ આરોપીઓએ એડવોકેટ ભરત બી. લાખાણી, અરભમ સુંડાવદરા અને નવધણ જાડેજા મારફતે જિલ્લા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. બચાવ પક્ષે દલીલ કરી હતી કે ઇજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ નથી, માથાના ભાગે ગંભીર ઇજા હોવાનું તબીબી રીતે નોંધાયું નથી, તપાસ પૂર્ણ થવામાં સમય લાગશે અને ટ્રાયલ લાંબી ચાલવાની સંભાવના હોવાથી આરોપીઓને સતત જેલમાં રાખવું યોગ્ય નથી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર જિલ્લા જજ ભટ્ટીએ આરોપીઓને શરતોને આધીન નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya