કુતિયાણા પોલીસ સ્ટેશનના PI, હેડકોન્સ્ટેબલ અને હેડક્વાર્ટર DySP સામે ફરિયાદ નોંધાવવાનો કોર્ટનો હુકમ
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : કેશોદ ફેમિલી કોર્ટે કુતિયાણા પોલીસ સ્ટેશનના PI એમ.ડી. વાળા, હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા તથા હેડ ક્વાર્ટર DySP, પોરબંદર સામે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધાવવાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. કોર્ટે
કુતિયાણા પોલીસ સ્ટેશનના PI, હેડકોન્સ્ટેબલ અને હેડક્વાર્ટર DySP સામે ફરિયાદ નોંધાવવાનો કોર્ટનો હુકમ


પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : કેશોદ ફેમિલી કોર્ટે કુતિયાણા પોલીસ સ્ટેશનના PI એમ.ડી. વાળા, હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા તથા હેડ ક્વાર્ટર DySP, પોરબંદર સામે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધાવવાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. કોર્ટે કેશોદ કોર્ટના સિનિયર ક્લાર્કને સમગ્ર કેસનો રેકોર્ડ સાથે રાખી કેશોદ પોલીસ સ્ટેશનમાં પાંચ દિવસની અંદર ફરિયાદ નોંધાવી તેનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.

કોર્ટના હુકમ મુજબ ભરણપોષણ કેસમાં સજા પામેલા આરોપી સામે સજા વોરંટ અમલમાં હોવા છતાં તેની ધરપકડ કરવામાં આવી નહોતી. એટલું જ નહીં, આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર હોવા છતાં તેની અટકાયત કરવામાં આવી ન હોવાનું, કોર્ટને વિરોધાભાસી અહેવાલ આપવામાં આવ્યો હોવાનું તેમજ આરોપીને બચાવવાના હેતુથી સજા વોરંટનો ઇરાદાપૂર્વક અમલ ન કરાયો હોવાનું કોર્ટના ધ્યાન પર આવ્યું છે. કોર્ટે નોંધ્યું છે કે પોલીસ અધિકારીઓએ વોરંટ રજીસ્ટરમાં ચેડાં કરી ખોટી નોંધો કરી હોવાનું પ્રથમદર્શનીય રીતે સામે આવ્યું છે. સરકારી રેકોર્ડમાં કપટપૂર્વક ફેરફાર કરી ખોટા દસ્તાવેજો તૈયાર કરાયા હોવાનું તેમજ તે દસ્તાવેજોના આધારે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ કોર્ટે ગંભીરતાથી નોંધ્યું છે. કોર્ટના નિરીક્ષણ મુજબ PI એમ.ડી. વાળા, હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા તથા હેડ ક્વાર્ટર DySPએ ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું પ્રથમદર્શનીય રીતે જણાય છે. ઉપરાંત કાયદેસરની ફરજ બજાવવામાં બેદરકારી રાખી ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈઓનો ભંગ કર્યો હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે. કેસ દરમિયાન પોરબંદરના પોલીસ અધિક્ષક દ્વારા 10 જુલાઈ, 2026ના રોજ રજૂ કરાયેલા પ્રાથમિક તપાસના અહેવાલને પણ કોર્ટે કાયદેસર અને સંતોષકારક ન ગણાવી નામંજૂર કર્યો છે.

કોર્ટે જણાવ્યું છે કે આ અહેવાલથી સંબંધિત પોલીસ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થયો હોવાનું પ્રથમદર્શનીય રીતે જણાય છે. આ સમગ્ર મામલે કેશોદ ફેમિલી કોર્ટે પોતાના સિનિયર ક્લાર્ક અફરોઝખાન એસ. તુર્કને હુકમની નકલ તથા કેસનો સંપૂર્ણ રેકોર્ડ જોડીને કેશોદ પોલીસ સ્ટેશનમાં સંબંધિત પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો છે. સાથે જ પાંચ દિવસમાં કાર્યવાહી અંગેનો લેખિત અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટના હુકમની નકલ ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP), જુનાગઢ રેન્જના IG તેમજ પોરબંદરના પોલીસ અધિક્ષકને મોકલવા પણ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. હુકમની જાણ કરવામાં આવી હોવાનો લેખિત અહેવાલ પણ પાંચ દિવસમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande