
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં અંદાજે 2,000 એકર જમીનમાં વિશ્વસ્તરીય શિપબિલ્ડિંગ, શિપ રિપેરિંગ અને મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીયલ હબ વિકસાવવાની યોજનાને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળતા જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટથી પોરબંદર દેશના અગ્રણી મેરીટાઇમ કેન્દ્ર તરીકે વિકસવાની સાથે હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે આ નિર્ણય પોરબંદરના વિકાસ માટે ઐતિહાસિક સાબિત થશે. તેમણે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તથા રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવ્યા. પ્રસ્તાવિત હબમાં શિપબિલ્ડિંગ, શિપ રિપેરિંગ, મેરિન એન્જિનિયરિંગ, ઓફશોર સપોર્ટ સર્વિસ, લોજિસ્ટિક્સ અને સંબંધિત ઉદ્યોગોનો વિકાસ થશે. આ પ્રોજેક્ટ સાકાર થતાં મોટા જહાજોના નિર્માણ અને મરામત માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે વેપાર, નિકાસ અને દરિયાઈ અર્થતંત્રને નવી ગતિ મળશે. પ્રોજેક્ટના અમલીકરણ બાદ એન્જિનિયરિંગ, ટેક્નિકલ, વેલ્ડિંગ, ફેબ્રિકેશન, ઇલેક્ટ્રિકલ, મશીનરી, લોજિસ્ટિક્સ, પરિવહન અને સેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે હજારો રોજગારીની તકો ઊભી થશે. સાથે જ સ્થાનિક નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ નવા વ્યવસાયિક અવસરો મળશે. રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે આ યોજના માત્ર ઔદ્યોગિક વિકાસ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સ્થાનિક યુવાનોના કૌશલ્ય વિકાસ, રોકાણમાં વધારો અને સમગ્ર પોરબંદરના સર્વાંગી વિકાસ માટે પણ માઇલસ્ટોન સાબિત થશે. તેમણે આશા વ્યક્ત કરી કે પ્રોજેક્ટનું કામ ઝડપથી શરૂ થઈ સમયમર્યાદામાં પૂર્ણ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya