સુરતમાં પાવરગ્રીડ ટાવર મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટર કચેરીએ મોરચો
સુરત, 18 જુલાઈ (હિ.સ.) : સુરત જિલ્લામાં પાવરગ્રીડ લાઇન માટે ખાનગી કંપની દ્વારા ચાલી રહેલી ટાવર સ્થાપનની કામગીરી સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શનિવારે ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા અને પલસાણા સહિતના વિસ્તારોમાંથી 500થી વધુ ખ
Surat


સુરત, 18 જુલાઈ (હિ.સ.) : સુરત જિલ્લામાં પાવરગ્રીડ લાઇન માટે ખાનગી કંપની દ્વારા ચાલી રહેલી ટાવર સ્થાપનની કામગીરી સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શનિવારે ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા અને પલસાણા સહિતના વિસ્તારોમાંથી 500થી વધુ ખેડૂતો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ એકત્ર થયા હતા. વિરોધ દરમિયાન ખેડૂતોએ વળતર નહીં તો ટાવર નહીંના નારા લગાવી સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ 4 જુલાઈના સરકારના પરિપત્રનો વિરોધ નોંધાવતા તેની પ્રતિકાત્મક હોળી પણ કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે પરિપત્રમાં નક્કી કરાયેલું વળતર જમીનને થતા નુકસાનની સરખામણીએ ખૂબ ઓછું છે. તેમના મતે ટાવર ઉભા થવાથી ખેતીલાયક જમીનની ઉપજ ક્ષમતા અને ભવિષ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.

ખેડૂત આગેવાનોની માંગ છે કે અસરગ્રસ્ત જમીન માટે બજારભાવના ચાર ગણાં વળતર સાથે ટાવર દીઠ વાર્ષિક ₹50,000 ભાડું ચૂકવવામાં આવે અથવા દરેક ટાવર બદલ ₹2 કરોડનું વળતર આપવામાં આવે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી પાવરગ્રીડની કામગીરીને આગળ વધવા દેવામાં આવશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande