
ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના જેસર પંથક સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ બાદ હવે છેલ્લા 15 થી 20 દિવસથી નોંધપાત્ર વરસાદ ન થતાં ખેડૂતોની ચિંતા વધી છે. શરૂઆતમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને અનેક ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું હતું. પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લેતા હવે ઉભા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે.ખેતરોમાં ભેજ ઘટી રહ્યો હોવાથી કપાસ અને મગફળીના છોડ સુકાવા લાગ્યા છે. જ્યાં પિયતની પૂરતી સુવિધા નથી ત્યાં ખેડૂતોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે અને ઉત્પાદન પર પણ તેની સીધી અસર પડશે. હાલ ખેડૂતો ભગવાન ભરોસે બેઠા છે અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.વરસાદ સમયસર વરસે તો જ ઉભા પાકને નવજીવન મળશે અને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી રાહત મળશે. હાલ સમગ્ર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અંગે મુકેશભાઈ ગજેરાએ જણાવ્યું કે અમારા જેસર પંથકમાં અંદાજિત 20 દિવસ પહેલા વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો ત્યારબાદ અનેક ખેડૂતોએ અલગ અલગ પાકોનું વાવેતર કરી દીધું છે પરંતુ ત્યારબાદ સારો વરસાદ થયો નથી વચ્ચે છૂટો છવાયો પડ્યો હતો પરંતુ પાકને તેમાં કોઈ ફાયદો થાય તેવું લાગતું નથી. અમારા તળમાં હાલ પાણી પણ નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદનો પ્રવાહ ના કારણે કપાસ મગફળી સહિતનો ભાગ સુકાવા લાગ્યો છે.
અનેક ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે ચારથી પાંચ દિવસની અંદર સારો વરસાદ નહીં થાય તો કપાસનો પાક નિષ્ફળ જશે તેવું મને લાગી રહ્યું છે. મેં હાલ મગફળી અને કપાસનું વાવેતર કર્યું છે પરંતુ વરસાદ ખેંચવાના કારણે મુશ્કેલી વધી છે અમારે પિયત ઓછો હોવાના કારણે વરસાદની રાહ જોવી પડી રહી છે. હવે ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે વરસાદ આવે તો ખેડૂતોમાં ઉભા પાકમાં જીવનદાન મળે નહીંતર ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે તેવું લાગી રહ્યું છે.
આ અંગે મુન્નાભાઈએ જણાવ્યું કે છેલ્લા 15 થી 20 દિવસ પહેલા અમારા પંથકમાં વરસાદ પડ્યો હતો પરંતુ ત્યારબાદ વરસાદ જતો રહ્યો છે વાવણી લાયક વરસાદ થઈ ગયા બાદ કપાસ મગફળી સહિતના અનેક પાકોનું અનેક વિસ્તારના ખેડૂતોએ વાવેતર કરી દીધું છે પરંતુ છૂટો છવાયો અને ઓછો વરસાદ અને અમુક વિસ્તારમાં 15 થી 20 દિવસના વરસાદનો આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં
મુકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA