
ગીર સોમનાથ, 18 જુલાઈ (હિ.સ.) : થાઈલેન્ડ ખાતે યોજાયેલી 16મી એશિયન ગર્લ્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભારતનું ગૌરવ વધારી સ્વદેશ પરત ફરેલી ઇન્ડિયન ગર્લ્સ અંડર-18 વોલીબોલ ટીમની ગુજરાતની ત્રણ પ્રતિભાશાળી ખેલાડીઓ અને તેમના પ્રશિક્ષકોના સન્માનમાં કોડીનારમાં ભવ્ય સન્માન સમારોહ તથા સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ, સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, આગેવાનો, વિવિધ શાળાઓની વિદ્યાર્થિનીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
કે.ડી. બારડ કોલેજથી માર્કેટિંગ યાર્ડ સુધી ભવ્ય સ્વાગત યાત્રા બાદ યોજાયેલા સન્માન સમારોહમાં ભારતીય અંડર-18 વોલીબોલ ટીમના કેપ્ટન રાજલબેન પ્રતાપભાઈ વાળા (સરખડી), અર્પિતાબેન વાઢેર (વાવડી) અને ફોરમબેન કગથરા (અમરેલી) અને તેમના કોચ નું શાલ, પુષ્પગુચ્છ, સ્મૃતિચિહ્ન અને ભેટસોગાદો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોડીનારના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તેમજ કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની ત્રણ દીકરીઓએ ભારતીય ટીમમાં સ્થાન મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓએ પોતાના અનુભવો પણ વહેંચ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન રાજલબેન પ્રતાપભાઈ વાળાએ ગુજરાત સરકાર, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, દિનુભાઈ સોલંકી, શિવાભાઈ સોલંકી, પોતાના માતા-પિતા અને કોચીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પહેલાં ટીમને વધુ સમય સાથે તાલીમ મળે તો ભારત મેડલ જીતવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને વધુ રમતગમતની સુવિધાઓ ઊભી કરવાની પણ માંગ કરી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે રમી આવેલી અન્ય ખેલાડીએ પણ જણાવ્યું હતું કે વિદેશમાં અલગ-અલગ દેશોની રમતની ટેકનિક અને વ્યૂહરચનાઓ શીખવાનો અમૂલ્ય અનુભવ મળ્યો છે. પરિવાર, કોચીસ અને સરકારના સહયોગથી જ તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. કોડીનારમાં યોજાયેલા આ ભવ્ય સન્માન સમારોહ અને સ્વાગત યાત્રાએ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ગર્વ અને ખુશીનો માહોલ સર્જ્યો હતો, જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ માટે આ ખેલાડીઓ પ્રેરણાસ્ત્રોત બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ