
જુનાગઢ, 18 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ શહેરના ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં તાજેતરમાં બનેલી અત્યંત દુઃખદ ઘટનાને ધ્યાને લઈ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાયોગિક ધોરણે IN/OUT રજીસ્ટ્રેશન સિસ્ટમ રૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અમલવારી પ્રાયોગિક ધોરણે તા.૧૮મી જુલાઈથી શરૂ થશે.
આ વ્યવસ્થા યાત્રાળુઓની સુરક્ષા, સમયસર માહિતી અને આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ - શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોપરી રાખી આ વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. જે યાત્રાળુઓ પાસે સ્માર્ટફોન નહીં હોય તેમનું ફરજરત સ્ટાફની મદદથી ઓફલાઈન રજીસ્ટ્રેશન સ્થળ પર પણ થઈ શકશે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક યાત્રાળુઓને પોતાનું કોઈપણ એક ઓળખ કાર્ડ સાથે રાખવા પણ અપીલ કરવામાં આવી છે.
ગિરનાર યાત્રા દરમિયાન દરેક યાત્રાળુએ ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે પ્રક્રિયાનું પાલન કરવું : નવી સીડી, જૂની સીડી અથવા રોપવે મારફતે ગિરનાર પર્વત પર જતા પહેલાં QR Code Scan કરી ઓનલાઈન નોંધણી કરીને IN - Entry કરાવવી. દર્શન પૂર્ણ કરી પરત ફર્યા બાદ OUT Entry કરાવવી.
ઓનલાઈન નોંધણી માટે:
https://Register.bhavnathtemple.com પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન સ્થળ ઉપરથી પણ થઈ શકશે.
યાત્રિકોને સરળતા માટે નવી સીડી પાસે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે QR Code Scan દર્શાવતી સ્ટેન્ડી પણ મૂકવામાં આવશે.
જૂનાગઢ વહીવટી તંત્ર ગિરનાર પર આવતા દરેક યાત્રાળુની સુરક્ષા તેમજ ગિરનારના અમૂલ્ય વન્યજીવ સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે પરામર્શ અને સૂચનો મુજબ ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા તથા સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ગિરનાર IN/OUT વેબસાઈટ વિકસાવવામાં આવી છે. આ વેબસાઈટનું નિર્માણ જિલ્લા NIC ટીમના શ્રી ભુવનેશ્વર બુડગયા (DIO), હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ