

પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામ નજીક હાઈવે પર હિટ એન્ડ રનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને અર્ટીકા કારને ટક્કર મારતા સીધાડા ગામના 25 વર્ષીય દિનેશભાઈ અજાભાઈ ચૌધરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
દિનેશભાઈ 17 જુલાઈના રોજ પીપળી બજાણા ખાતે બીજ ભરવા માટે પોતાની અર્ટીકા કાર લઈને ગયા હતા. રાત્રે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ સંપર્ક કરતા તેમણે દશાડા પહોંચ્યાનો મેસેજ કર્યો હતો.
વહેલી સવારે પરિવારને બામરોલી નજીક અકસ્માત થયાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં ક્ષતિગ્રસ્ત કારની બાજુમાં પડેલી લાશ દિનેશભાઈની હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ, રાત્રે આશરે 3 વાગ્યે અજાણ્યા વાહને તેમની કારને જોરદાર ટક્કર મારી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો.
ગંભીર ઈજાઓને કારણે દિનેશભાઈનું મોત નીપજ્યું હતું. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપવામાં આવ્યો હતો.
વારાહી પોલીસે મૃતકના ભાઈ પ્રવિણભાઈ ચૌધરીની ફરિયાદના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 તેમજ મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ