
ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના બુઢણા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સમાજસેવી અનુભાઈ તેજાણીના સૌજન્યથી નિર્મિત 'મંજુલા સરોવર'નું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઊર્જા અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા સહિત આગેવાનો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ડી.બી. તેજાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે આયોજિત સમારોહમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે જળ સંચય માત્ર સરકારી યોજના નહીં પરંતુ જનભાગીદારીથી સફળ બનતું રાષ્ટ્રીય અભિયાન છે. પાણીનું સાચું મહત્વ મહિલાઓ સારી રીતે સમજે છે, તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જળ જીવન મિશન સહિતની વિવિધ યોજનાઓમાં મહિલાઓને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે જળ જીવન મિશન હેઠળ દેશમાં અત્યાર સુધી 16 કરોડથી વધુ ઘરોમાં નળ દ્વારા પીવાના પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે અને વર્ષ 2028ના અંત સુધી બાકીના અંદાજે 3 કરોડ ઘરોમાં પણ નળ જોડાણ પૂર્ણ કરવાનો સરકારનો સંકલ્પ છે.
સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે વરસાદનું એક-એક ટીપું જમીનમાં ઉતરે તે માટે સમાજના દરેક વર્ગે જવાબદારી સ્વીકારવી જરૂરી છે. ઘરોમાં રિચાર્જ પિટ બનાવવી, ખેડૂતો દ્વારા ખેતરોમાં જળ સંચયના માળખાં ઉભા કરવા તેમજ ગામનું પાણી ગામમાં જ રોકાય તે માટે સૌએ મળીને પ્રયાસ કરવા જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાણીનો ઉપયોગ કરવાનો જેટલો અધિકાર છે, એટલી જ જવાબદારી તેને પુનઃ ધરતીને પરત આપવાની પણ છે. 'મંજુલા સરોવર' જેવા લોકભાગીદારીના પ્રયાસો જળ સંરક્ષણ માટે પ્રેરણારૂપ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA