
- ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓનું સન્માન કરાયું.
જુનાગઢ, 18 જુલાઈ (હિ.સ.) : જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, જૂનાગઢ ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જિલ્લા આરોગ્ય વિભાગના વયનિવૃત્ત કર્મચારીઓનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વર્ષ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રશંસાપત્ર અને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
“સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન” થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પરિવાર કલ્યાણ, માતા-શિશુ આરોગ્ય, જવાબદાર માતા-પિતૃત્વ, લિંગ સમાનતા તથા સંતુલિત વસ્તી વૃદ્ધિ અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ તકે કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ પરિવાર કલ્યાણ સેવાઓનો લાભ લેવા તેમજ માતા અને બાળકના આરોગ્યને પ્રાથમિકતા આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અલ્પેશ સાલ્વી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અગ્રણી વિપુલ કાવાણી, શાસક પક્ષના નેતા મહેશભાઈ દિવરાણીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અલ્પેશ સાલ્વી, જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડૉ. દિનેશ પરમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ