
કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ભચાઉ પોલીસે વધુ એક સફળ ઓપરેશન પાર પાડતાં લગભગ રૂ. 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો મુખ્ય સપ્લાયર હોવાનું સામે આવેલ અન્ય એક શખ્સ હાલ પોલીસ પકડથી દૂર છે. સમગ્ર ઘટનાને લઈને પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી અભિયાન વધુ સઘન બનાવવામાં આવ્યું છે. તે અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમી મળી હતી કે વોંધ ગામનો રહેવાસી બાલાભાઈ ગેલાભાઈ રાવરિયા પોતાની બોલેરો પિકઅપમાં ગોવામાં વેચાણ માટેના માર્કાવાળો વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને સામખિયારી તરફથી ભચાઉ આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે રામદેવપીર હાઇવે પુલ નજીક વોચ ગોઠવી વાહનને અટકાવ્યું હતું. તપાસ દરમિયાન બોલેરોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બાલાભાઈ ગેલાભાઈ રાવરિયા (ઉંમર 38, રહે. વોંધ, તાલુકો ભચાઉ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કુલ 516 બોટલ 750 એમએલ ક્ષમતા ધરાવતી ડોક્ટર ડેન ચોઇસ માલ્ટ વ્હિસ્કી તેમજ 2,400 નંગ 180 એમએલ મેજિક મોમેન્ટ ફ્લેવર્ડ વોડકાની બોટલો મળી આવી હતી. ઉપરાંત આરોપી પાસેથી મોબાઇલ ફોન, બોલેરો પિકઅપ અને અન્ય સામાન સહિત કુલ રૂ. 10,00,100નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મુંબઈના ભિવંડી રોડ વિસ્તારમાં રહેતો પ્રદીપ અમરલાલ ઉર્ફે આંબાલાલ જોષી આ દારૂના જથ્થા સાથે સંકળાયેલ હોવાની વિગતો સામે આવી છે. તેની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ભચાઉ પોલીસની આ કાર્યવાહી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar