
કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : કચ્છમાં નોંધાયેલા લવ જેહાદ અને પોક્સો સંબંધિત એક અત્યંત ચર્ચાસ્પદ કેસમાં ભુજની વિશેષ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપતાં મહારાષ્ટ્રના યુવક જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખને અંતિમ શ્વાસ સુધીની સખ્ત આજીવન કેદની સજા ફટકારી છે. કચ્છ જિલ્લામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ હેઠળ નોંધાયેલા આવા કેસમાં પ્રથમ વખત આરોપીને દોષિત જાહેર કરીને આ પ્રકારની કડક સજા આપવામાં આવી છે.
કેસની વિગતો મુજબ, મૂળ કચ્છના માંડવી તાલુકાના એક ગામની અને તે સમયે સગીર વયની યુવતી મહારાષ્ટ્રમાં રહેતી હતી. મોબાઇલમાં ઓનલાઈન ગેમ રમતી વખતે તેની ઓળખ જીગર નામની આઈડી ધરાવતા વ્યક્તિ સાથે થઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે આ આઈડી પાછળ જીયાદ શેખ હતો, જેણે પોતાની ધાર્મિક ઓળખ છુપાવી મિત્રતા કેળવી હતી. લગ્નના વચનો આપી તેણે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને તે દરમિયાન કેટલાક અશ્લીલ ફોટોગ્રાફ પણ પોતાના કબજામાં લીધા હતા. પછી આરોપીએ આ ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર સતત દબાણ શરૂ કર્યું. ફરી દુષ્કર્મ આચરી તેને ધર્મ પરિવર્તન કરીને નિકાહ કરવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ સંબંધ તોડી નાખ્યા છતાં આરોપીએ પીછો છોડ્યો નહોતો. આખરે પરિવાર કચ્છ પરત આવ્યો અને યુવતીની અન્યત્ર સગાઈ થઈ, પરંતુ આરોપીએ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે અશ્લીલ ફોટા વાયરલ કરતાં તેની સગાઈ પણ તૂટી ગઈ. ત્યારબાદ આરોપીએ અન્ય બે વ્યક્તિઓની મદદથી યુવતીના પરિવાર અંગે માહિતી એકત્ર કરવાની પણ કોશિશ કરી હતી.
આ સમગ્ર મામલે ઓક્ટોબર 2024માં ભુજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો એક્ટ, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ, એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી મહારાષ્ટ્રમાંથી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ અંતિમ શ્વાસ સુધીની સખ્ત આજીવન કેદ, એક લાખ રૂપિયાનો દંડ તેમજ અન્ય કલમો હેઠળ અલગ-અલગ સજાઓ ફટકારી છે. ઉપરાંત પીડિતાને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે સહઆરોપીઓને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદો કચ્છમાં આવા પ્રકારના ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar