
કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : ભુજમાં ૪૦ હજાર રૂપિયાની કથિત લાંચ સ્વીકારવાના કેસમાં ફરાર રહેલા વાયોર પોલીસ સ્ટેશનના PSI ઈન્દ્રવિજયસિંહ ઉર્ફે ઈન્દુભા રાજેન્દ્રસિંહ ગોહિલ સામેની કાર્યવાહી વધુ એક મહત્વના તબક્કે પહોંચી છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ કોર્ટ દ્વારા બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે પૂર્ણ થતાં આજે ACBએ ફરી ચાર દિવસના વધારાના રીમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટને વધુ રીમાન્ડ જરૂરી ન લાગતા અરજી નામંજૂર કરીને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
આ સમગ્ર મામલો તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે ACBએ લાંચના આરોપસર ટ્રેપ ગોઠવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, સરકારી પંચોની હાજરીમાં PSIએ ફરિયાદીને પોતાની કારમાં બેસાડી ૪૦ હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી. પરંતુ ટ્રેપની જાણ થતાં જ આરોપી રોકડ રકમ સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે સમગ્ર રાજ્યમાં આ કેસે ભારે ચર્ચા જગાવી હતી.
ફરાર રહેલા PSIએ અંતે ૧૪ જુલાઈના રોજ ACB સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ તપાસને આગળ વધારવા માટે ACBએ પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે માત્ર બે દિવસનો જ રીમાન્ડ મંજૂર કર્યો હતો. રીમાન્ડ દરમિયાન તપાસ અધિકારીઓએ આરોપીની પૂછપરછ કરી હતી, પરંતુ આરોપીએ લાંચની રકમ પ્રાપ્ત કરી હોવાનો ઇનકાર જાળવી રાખ્યો હોવાનું જાણવા મળે છે.
તપાસ દરમિયાન ખાસ રસાયણયુક્ત પાઉડર લગાવેલી ચલણી નોટોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે નોટો મળી આવી ન હોવાનું સૂત્રો જણાવે છે. ઉપરાંત આરોપીના નિવાસસ્થાન તેમજ બેન્ક લૉકરની પણ તપાસ કરવામાં આવી હતી, જોકે ત્યાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી કે મહત્વનો પુરાવો હાથ લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં કોર્ટના આદેશ બાદ PSI ઈન્દ્રવિજયસિંહ ગોહિલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. બીજી તરફ, ભુજ ACBના ઇન્સ્પેક્ટર જે. જે. ચૌધરી સમગ્ર કેસની તપાસ આગળ વધારી રહ્યા છે. તપાસ દરમિયાન મળનારા નવા પુરાવા અને કોર્ટમાં રજૂ થનારા દસ્તાવેજોના આધારે આગામી દિવસોમાં આ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar