ભુજમાં 'સસ્તા સોનાના બિસ્કિટ'ના નામે સોશિયલ મીડિયા ઠગાઈનો ભાંડો ફૂટ્યો, LCBએ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરમાં સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે છેતરપીંડી કરવાની એક નવી અને ચિંતાજનક તરકીબનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ખોટી સોશિયલ મીડિયા આઈડી બનાવી તેમાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ વેચાણની લાલચ આપ
સોશિયલ મીડિયામાં જાહેરાત પોસ્ટ કરનાર આરોપીઓ


સોશિયલ મીડિયામાં જાહેરાત પોસ્ટ કરનાર આરોપીઓ


કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરમાં સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે છેતરપીંડી કરવાની એક નવી અને ચિંતાજનક તરકીબનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ખોટી સોશિયલ મીડિયા આઈડી બનાવી તેમાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ વેચાણની લાલચ આપતી જાહેરાતો, ફોટોગ્રાફ્સ અને વીડિયો અપલોડ કરીને લોકોને જાળમાં ફસાવવાનો પ્રયાસ કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. સમયસરની કાર્યવાહીના કારણે અનેક લોકો સંભવિત આર્થિક છેતરપીંડીનો ભોગ બનતા બચી ગયા હોવાનું માનવામાં આવે છે.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી પ્રોફાઇલ બનાવી તેમાં આકર્ષક પોસ્ટ્સ મૂકી સસ્તા દરે સોનાના બિસ્કિટ ઉપલબ્ધ હોવાનો દાવો કરતા હતા. જાહેરાતો જોઈને સંપર્ક કરનારા લોકોને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી રૂપિયા મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મળતા LCBની ટીમે સચોટ આયોજન સાથે કાર્યવાહી હાથ ધરી અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા.

પકડાયેલા આરોપીઓમાં ભુજના સેજવાળા માતમ વિસ્તારના શાજીદ કરીમ મલેક, મચ્છીપારા ફળિયાના સોહીલ અબ્દુલ કેવર તેમજ સંજોગનગર, મદીના નગર-1ના આદમ મહેમુદ કકલનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તેમની પાસેથી પાંચ મોબાઇલ ફોન, ચાર નકલી સોનાના બિસ્કિટ, એક એક્ટિવા સ્કૂટર અને એક પલ્સર મોટરસાઇકલ સહિત અંદાજે રૂ. 2.45 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા વધુ લોકોને નિશાન બનાવવાની તૈયારીમાં હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે જપ્ત કરાયેલા મોબાઇલ ફોનના ડેટાની તપાસ શરૂ કરી છે જેથી અન્ય કોઈ વ્યક્તિ આ ગેંગનો ભોગ બની છે કે નહીં તેમજ આ કાવતરામાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ માહિતી મળી શકે.

આ સમગ્ર કામગીરી પશ્ચિમ કચ્છ LCBના એએસઆઈ નિલેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ અનિરુદ્ધસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર સસ્તી કિંમતે સોનું કે અન્ય કિંમતી વસ્તુઓ વેચવાની લાલચ આપતી જાહેરાતો પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્યતા ચોક્કસ ચકાસવી અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande