


કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લાના મહેસૂલી વહીવટને વધુ અસરકારક અને જનકેન્દ્રિત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તાજેતરમાં નિમણૂક પામેલા ૧૧૨ મહેસૂલી તલાટીઓને જિલ્લાના વિવિધ મામલતદાર કચેરીઓમાં ફરજ સોંપવાની પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. આ નવી નિમણૂકોના કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મહેસૂલી સેવાઓની કામગીરીને નવી ગતિ મળવાની સાથે સામાન્ય નાગરિકોને પણ સમયસર અને સરળતાથી સરકારી સેવાઓ ઉપલબ્ધ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભુજ સ્થિત કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં વિશેષ સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન તમામ નવનિયુક્ત તલાટીઓને પોતાની પસંદગી મુજબ ઉપલબ્ધ જગ્યાઓમાંથી મામલતદાર કચેરી પસંદ કરવાની તક આપવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા ખુલ્લી અને પારદર્શક રીતે હાથ ધરાતા ઉમેદવારોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો.
ફાળવણી મુજબ ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ૧૧, ભુજ શહેરમાં ૧, માંડવીમાં ૧૫, મુંદરામાં ૧૧, અંજારમાં ૬, ગાંધીધામમાં ૨, ભચાઉમાં ૧૧, રાપરમાં ૧૬, નખત્રાણામાં સૌથી વધુ ૨૩, અબડાસામાં ૯ અને લખપતમાં ૭ મહેસૂલી તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે. તાલુકાવાર જરૂરિયાત અને ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સ્થળ પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટરશ્રીએ તમામ પસંદ કરાયેલા ઉમેદવારો માટે સત્તાવાર ફરજ ફાળવણીના હુકમો પણ જારી કર્યા હતા. હવે આ તમામ તલાટીઓ પોતાના નિયુક્ત તાલુકાઓમાં ફરજ સંભાળી મહેસૂલી કામગીરીમાં જોડાશે.
આ નવી નિમણૂકોના કારણે આવકના દાખલા, વારસાઈ નોંધ, જમીન સંબંધિત પ્રક્રિયાઓ, પ્રમાણપત્રો સહિતની વિવિધ મહેસૂલી સેવાઓ વધુ ઝડપથી પૂર્ણ થઈ શકશે. લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ ભરાતા સ્થાનિક વહીવટ વધુ મજબૂત બનશે અને સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ પણ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે. જિલ્લા વહીવટીતંત્રનું માનવું છે કે આ પગલાથી કચ્છમાં મહેસૂલી તંત્ર વધુ કાર્યક્ષમ બનશે અને નાગરિકોને ગુણવત્તાસભર તથા સમયબદ્ધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar