



કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય બંદરો, જહાજરાણી અને જળમાર્ગ મંત્રાલયના રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે આજે કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીની મુલાકાત લઈને બંદરની કામગીરી, વિકાસ પ્રોજેક્ટો અને ભાવિ આયોજનની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમના આગમન પર ગાંધીધામ સ્થિત વહીવટી કચેરી ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહ, ડેપ્યુટી ચેરમેન નીલાભ્રા દાસગુપ્તા, વિભાગીય વડાઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને ગાંધીધામના મેયર દિવ્યા નાથાણીએ પણ હાજરી આપી બંદરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
સમીક્ષા દરમિયાન રાજ્યમંત્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના કાર્ગો હેન્ડલિંગ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતાવર્ધક યોજનાઓ, લોજિસ્ટિક્સ સુવિધાઓ તેમજ ગ્રીન એનર્જી અને પર્યાવરણલક્ષી પહેલોની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે બંદર દ્વારા કાર્યક્ષમતા વધારવા, આધુનિક સુવિધાઓ વિકસાવવા અને દેશના સમુદ્રી વેપારને મજબૂત બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
રાજ્યમંત્રીએ ખાસ કરીને વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન દેશના તમામ મુખ્ય બંદરોમાં સૌથી ઝડપથી 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો ઐતિહાસિક આંક પાર કરવાની દીનદયાળ પોર્ટ ઓથોરિટીની સિદ્ધિને નોંધપાત્ર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સફળતા માત્ર પોર્ટ પ્રશાસનની જ નહીં, પરંતુ કર્મચારીઓ, શ્રમિકો, વેપારીઓ અને તમામ હિતધારકોના સંકલિત પ્રયાસોનું પરિણામ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચાલુ નાણાકીય વર્ષમાં દીનદયાળ પોર્ટ કાર્ગો હેન્ડલિંગ, ગ્રીન પહેલ અને આધુનિક પરિવહન વ્યવસ્થાના ક્ષેત્રમાં નવા માપદંડ સ્થાપિત કરશે.
મુલાકાતના અંતિમ તબક્કામાં રાજ્યમંત્રીએ પોર્ટના વિવિધ હિતધારકો સાથે બેઠક યોજી હતી, જેમાં વેપારી સંગઠનો, શિપિંગ એજન્ટો, ટર્મિનલ ઓપરેટરો, સ્ટીવડોર્સ અને અન્ય પ્રતિનિધિઓ જોડાયા હતા. તેમણે પોર્ટ પ્રશાસન અને વેપાર જગત વચ્ચેના સુમેળને દીનદયાળ પોર્ટની સતત પ્રગતિનું મુખ્ય કારણ ગણાવી ભવિષ્યમાં પણ આ સહયોગ જળવાઈ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar