




કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : મુંદરા શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત ‘સંકલ્પ યાત્રા’એ આધ્યાત્મિકતા, શાંતિ અને તણાવમુક્ત જીવનનો પ્રેરણાદાયી સંદેશ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડ્યો. સમાજમાં વધતા માનસિક તણાવ, ભય અને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે રાજયોગને આંતરિક શાંતિ અને સકારાત્મક જીવનશૈલીનું અસરકારક સાધન તરીકે રજૂ કરવામાં આવ્યું. આ યાત્રા અંતર્ગત મુંદરાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો અને રહેણાંક ટાઉનશીપ સહિત દસથી વધુ સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મુંદરા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી સુશીલાદીદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આધુનિક જીવનમાં ભૌતિક પ્રગતિ વધી રહી છે, પરંતુ માનસિક શાંતિ સતત ઘટી રહી છે. સતત તણાવ અને ચિંતાના કારણે વ્યક્તિના આરોગ્ય અને નિર્ણય ક્ષમતા પર ગંભીર અસર પડે છે. રાજયોગ દ્વારા મનને સ્થિર બનાવી આંતરિક શક્તિનો વિકાસ કરી શકાય છે, જેના પરિણામે વ્યક્તિ જીવનના પડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરી શકે છે.
માઉન્ટ આબુથી ઉપસ્થિત એસએટી વિંગના નેશનલ કો-ઓર્ડિનેટર બ્રહ્માકુમાર સંતોષભાઈએ તણાવમુક્ત અને મૂલ્યઆધારિત જીવન માટે આધ્યાત્મિક વિચારસરણી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે કાર્યસ્થળ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવવા માટે રાજયોગ અત્યંત અસરકારક માધ્યમ બની શકે છે.
અમદાવાદથી આવેલા બ્રહ્માકુમારી ભારતીદીદીએ જણાવ્યું કે ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં મનની શાંતિ અને સાચી શક્તિ આધ્યાત્મિક જ્ઞાન વિના પ્રાપ્ત થતી નથી. મનની નબળાઈ વ્યક્તિને અનેક નકારાત્મક આદતો અને વ્યસનો તરફ દોરી જાય છે, જ્યારે રાજયોગ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ આપે છે.
યાત્રા દરમિયાન બ્રહ્માકુમારી સંસ્થાના પ્રતિનિધિમંડળે શાળાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, પોર્ટ વિસ્તારની વિવિધ કંપનીઓ અને ટાઉનશીપની મુલાકાત લઈને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોને શાંતિ, સદભાવના અને આત્મજાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમોમાં પ્રાયોગિક રાજયોગ અને ધ્યાન સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિતોએ ગહન માનસિક શાંતિનો અનુભવ કર્યો. સ્થાનિક ઉદ્યોગો, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓના સહયોગથી યોજાયેલી આ સંકલ્પ યાત્રાએ આધ્યાત્મિક મૂલ્યોને સમાજના દૈનિક જીવન સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar