
ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.) : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા રમતગમત કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) અંતર્ગત શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છુક શાળાઓ માટે એન્ટ્રી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ તા. ૨૯ જુલાઈ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.
આયોજન મુજબ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના કુલ ૧૩ ઝોનમાં અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ વયજૂથના ભાઈઓ તથા બહેનો માટે કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતોની ઝોન કક્ષાની સ્પર્ધાઓ તા. ૨૦ જુલાઈ, ૨૦૨૬થી શરૂ થશે. ઝોન કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનનાર ખેલાડીઓ મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
આ ઉપરાંત મહાનગરપાલિકા કક્ષાએ કુલ ૪૪ વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન તા. ૪ ઓગસ્ટ, ૨૦૨૬થી કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓ આગામી રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવશે.
જિલ્લા રમતગમત અધિકારીએ તમામ શાળાઓને સૂચના આપી છે કે એન્ટ્રીની વિગત, ફોરવર્ડિંગ લેટર તેમજ શાળાના લેટરપેડ પર આચાર્યના સહી-સિક્કા સાથે જરૂરી દસ્તાવેજો ફરજિયાત રજૂ કરવા. ઝોન કક્ષાની સ્પર્ધા શરૂ થવાના ત્રણ દિવસ અગાઉ એન્ટ્રી મોકલવાની રહેશે, જ્યારે મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા માટે એન્ટ્રી જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૯ જુલાઈ, ૨૦૨૬ છે. તમામ અરજીઓ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સીદસર રોડ, ભાવનગર ખાતે જમા કરાવવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA