


- ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર દ્વારા સમગ્ર ગુજરાતના 18 વિવિધ સ્થળોએ શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન
કડી/અમદાવાદ,18 જુલાઇ (હિ.સ.) અષાઢી બીજે ગુજરાતમાં રથયાત્રાઓનો દિવસ હોય છે.જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી અમદાવાદની ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે સાથે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો.
ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી,શ્રીબલદેવજી અને માતા સુભદ્રાજીના દિવ્ય આશીર્વાદ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવા પવિત્ર સંકલ્પ સાથે સમગ્ર ગુજરાતના 18 વિવિધ સ્થળોએ શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનોખી પહેલ દ્વારા ભગવાનની કૃપા મંદિરની ચાર દિવાલો સુધી મર્યાદિત ન રહે, પરંતુ દરેક ગામ, શહેર અને રહેણાંક વિસ્તારમાં પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ રથયાત્રા દ્વારા સૌને ભગવાનના દિવ્ય દર્શન કરવાનો, રથ ખેંચવાનો, હરિનામ સંકીર્તનમાં જોડાવાનો તથા ભગવાનના મહાપ્રસાદનો લાભ લેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે.
આ દિવ્ય પહેલના ભાગરૂપે આજે કડી શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા
સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર રીતે શણગારાયેલા રથમાં
બિરાજમાન ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક રહેવાસીઓ ઉમટી પડ્યા
હતા. સમગ્ર શહેર ભગવાનના જયઘોષ, હરિનામ સંકીર્તન અને ભક્તિમય કીર્તનોથી ગુંજી ઉઠ્યું
હતું.
રથયાત્રા દરમિયાન ભક્તોએ ભાવપૂર્વક પુષ્પવર્ષા કરી, ભગવાનને પ્રાર્થનાઓ અર્પણ કરી અને
આનંદપૂર્વક રથ ખેંચવાનો લાભ લીધો. મૃદંગ, કરતાલ અને હરિનામ સંકીર્તન સાથે ભક્તોના
ઉત્સાહપૂર્ણ નૃત્યએ સમગ્ર વાતાવરણને ભક્તિરસથી ઓતપ્રોત બનાવી દીધું. અનેક સ્થાનિક
પરિવારો અને યુવાનો પણ સ્વયંસ્ફૂર્ત રીતે આ પવિત્ર યાત્રામાં જોડાયા અને ભગવાનના દિવ્ય
દર્શનનો લાભ લીધો.
કલોલ રથયાત્રામાં કડીના અનેક અગ્રણી નાગરિકો અને મહાનુભાવોએ પણ ઉત્સાહપૂર્વક હાજરી
આપી હતી. આ પ્રસંગે કડીના ધારાસભ્ય રાજેન્દ્રકુમાર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા અને ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરી ભક્તિમય શોભાયાત્રામાં સહભાગી બન્યા. આ અવસરે
તેમણે જણાવ્યું, ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા સમાજમાં ભક્તિ, એકતા અને સૌહાર્દનો સંદેશ
આપતી પવિત્ર પરંપરા છે. જીવનના દરેક ક્ષેત્રના લોકો આ દિવ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે તે ખૂબ જ આનંદની વાત છે. આ ભવ્ય અને સુવ્યવસ્થિત રથયાત્રાના આયોજન બદલ હુંઇસ્કોનને અભિનંદન પાઠવું છું અને ભગવાન શ્રી જગન્નાથ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું.
સમગ્ર રથયાત્રા દરમિયાન ભગવાનનો મહાપ્રસાદ ઉદારતાપૂર્વક વિતરિત કરવામાં આવ્યો હતો,
જેનો લાભ ભક્તો, સ્થાનિક રહેવાસીઓ તથા ઉપસ્થિત સૌએ ભક્તિભાવપૂર્વક લીધો. મહાપ્રસાદના
વિતરણ દ્વારા ભગવાનનો પ્રેમ, સમાનતા અને કરુણાનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચ્યો.
ઇસ્કોનના સ્થાપક-આચાર્ય એ.સી.ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ સમજાવતા હતા
કે જગન્નાથ રથયાત્રા ભગવાનની અપરંપાર કરુણાનું જીવંત પ્રતીક છે. ભગવાન શ્રી જગન્નાથજી
સ્વયં પોતાના ભક્તો વચ્ચે આવી દરેક જીવાત્માને પોતાના આશીર્વાદ આપે છે અને હરિનામ
સંકીર્તન, ભક્તિ અને મહાપ્રસાદ દ્વારા કૃષ્ણ સાથેના પોતાના શાશ્વત સંબંધને પુનર્જાગૃત કરવાનો
અવસર આપે છે. શ્રીલ પ્રભુપાદના આ દિવ્ય સંકલ્પને અનુસરી આજે વિશ્વભરમાં ઇસ્કોન દ્વારા
રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે.
કડીમાં યોજાયેલી આ ભવ્ય રથયાત્રાએ ભક્તિ, શાંતિ, સૌહાર્દ અને વિશ્વબંધુત્વનો સંદેશ પ્રસરાવ્યો
તથા ઉપસ્થિત સૌના હૃદયમાં ભગવાન પ્રત્યેની ભક્તિને વધુ દૃઢ બનાવી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ