
જામનગર, 18 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે ભીમવાસ ઢાળિયા નજીક વેલનગર શેરી નં. 1 વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે જીગ્નેશ નરશીભાઈ રાઠોડ (રહે. વેલનગર શેરી નં. 1, જૂના રેલવે સ્ટેશન નજીક, જામનગર) સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 65(એ) અને 116(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈ વજુભાઈ ઠાકરીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 42 નંગ નાની ઈંગ્લીશ દારૂ ની બાટલીઓ મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 12,600 કિંમતનો દારૂ કબજે કરી એફ.એસ.એલ. તપાસ માટે નમૂના સીલ કર્યા હતા. આરોપી પાસેથી દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમીટ રજૂ ન થતાં પોલીસે તેને સ્થળ પરથી અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt