કડીના કરણનગરમાં ડેન્ગ્યુ કેસ બાદ આરોગ્ય તંત્ર સતર્ક, તાલુકા હેલ્થ ઓફિસરે કરી ગૃહ મુલાકાત
મહેસાણા, 18 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના નાનીકડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વિસ્તારમાં ડેન્ગ્યુનો કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બ્રિજેશ પ્રજાપ
કડીના કરણનગરમાં ડેન્ગ્યુ કેસ બાદ આરોગ્ય તંત્ર સતર્ક, તાલુકા હેલ્થ ઓફિસરે કરી ગૃહ મુલાકાત


મહેસાણા, 18 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના નાનીકડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વિસ્તારમાં ડેન્ગ્યુનો કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બ્રિજેશ પ્રજાપતિએ દર્દીના નિવાસસ્થાને ગૃહ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન ડૉ. પ્રજાપતિએ આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે અસરકારક કામગીરી કરવાની સૂચના આપી હતી. ખાસ કરીને મચ્છરના ઉપદ્રવને નિયંત્રિત કરવા પોરાનાશક દવાનો છંટકાવ, ફોગિંગ અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની કામગીરી ગુણવત્તાપૂર્વક કરવામાં આવે તે માટે ભાર મૂક્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સર્વેલન્સ, તાવ ધરાવતા દર્દીઓની તપાસ અને લોકોને ડેન્ગ્યુથી બચવા માટે જરૂરી સાવચેતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. નાગરિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે ધ્યાન રાખવા, પાણીના વાસણો ઢાંકીને રાખવા તેમજ તાવ કે ડેન્ગ્યુના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગો પર નિયંત્રણ માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande