
મહેસાણા, 18 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હત્યા, ખંડણી, વ્યાજખોરી, બળજબરીથી રૂપિયા પડાવવા અને જાનથી મારી નાખવાની ધમકીઓ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી જયેશ છગનભાઈ રબારી ગેંગના બે સક્રિય સભ્યો સામે કડી પોલીસ સ્ટેશનમાં ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC) એક્ટ-2015 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષ દરમિયાન મહેસાણા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેંગ દ્વારા આયોજનબદ્ધ રીતે ગંભીર ગુનાઓ આચરી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આ કેસમાં ઇરાણા ગામના જયેશ છગનભાઈ રબારી, જેની સામે 6 ગુનાઓ નોંધાયેલા છે, તેમજ કડી તાલુકાના મણીપુર મોટોમાઢના દેવાભાઈ કમાભાઈ રબારી, જેની સામે 3 ગુનાઓ નોંધાયેલા છે, તેમની સામે GUJCTOCની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ડૉ. હાર્દિક પ્રજાપતિ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાની આગેવાનીમાં અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. મહેસાણા પોલીસે જણાવ્યું છે કે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR