
મહેસાણા, 18 જુલાઈ (હિ.સ.) : એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતા ઊંઝામાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સ (FISS)ની નવી અદ્યતન ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિસનગર રોડ પર આવેલા શૂલિન સ્કવેર ખાતે શરૂ થયેલી આ ઓફિસ મસાલા ઉદ્યોગ, ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારો માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.
સ્પાઇસ બોર્ડના ચેરપર્સન સંગીતા વિશ્વનાથનના હસ્તે રિબન કાપીને ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ, સ્પાઇસ બોર્ડના સભ્ય નિલેશભાઈ પટેલ, FISSના ફાઉન્ડર ચેરમેન અશ્વિનભાઈ નાયક તથા ચેરમેન તેજસભાઈ ગાંધી સહિત મસાલા વેપાર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસંગે સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે નવી ઓફિસ દ્વારા ખેડૂતો, વેપારીઓ, પ્રોસેસર્સ અને નિકાસકારો વચ્ચે વધુ સુમેળ અને સહયોગ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. ભારતીય મસાલાની ગુણવત્તા, વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મકતા અને નિકાસમાં વધારો થાય તે માટે પણ વિવિધ પહેલ હાથ ધરવામાં આવશે.
ઉદ્ઘાટન બાદ યોજાયેલી બેઠકમાં ભારતીય મસાલાના નિકાસમાં વધારો, ગુણવત્તા નિયંત્રણ મજબૂત બનાવવું અને ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહે તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. FISSની નવી ઓફિસ ઊંઝાના મસાલા વેપારને વધુ ગતિ અને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR