
- Apply, Code, Get Placed થીમ હેઠળ દેશભરના યુવા ઇનોવેટર્સ માટે રોજગાર, નવીનતા અને ટેક્નોલોજીનો અનોખો મહાકુંભ
ગાંધીનગર,18 જુલાઈ (હિ.સ.) સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી અને ગાંધીનગરના ચેરમેન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભ એમ. પટેલના દ્રષ્ટિવંત માર્ગદર્શન હેઠળ વિશ્વવિખ્યાત કંપની Odoo અને ગુજરાતની તથા ગાંધીનગરની અગ્રણી અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવતી હજારો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવા, તેમના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવા અને તેમને વૈશ્વિક સ્તરે સફળ કારકિર્દી માટે સજ્જ બનાવવા સતત પ્રયત્નશીલ કડી સર્વ વિશ્વવિદ્યાલય (KSV) ના સંયુક્ત ઉપક્રમે હેકાથોન Odoo × KSV Hackathon 2026 તા. 18 અને 19 જુલાઈ, 2026 દરમિયાન કડી સર્વ વિશ્વવિદ્યાલય એલ. ડી.આર.પી. કેમ્પસ સેક્ટર-15 ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી. આ પ્રસંગે કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઇન-ચાર્જ ડિરેક્ટર ડૉ. ગાર્ગી રાજપરા મેડમ, Odoo કંપનીના આસિસ્ટન્ટ ઇવેન્ટ મેનેજર શાર્દુલ દવે, MMPSRPC ના હેડ ડૉ. હિમાની ત્રિવેદી, ફેકલ્ટી ઑફ કોમ્પ્યુટર સાયન્સના ડીન ડૉ. રૂપેશ વ્યાસ, SMMPISR (M.Sc.-IT)ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. શિવાની ત્રિવેદી તેમજ NPCCSM (BCA) ના પ્રિન્સિપાલ ડૉ. નિર્મેશ પટેલ ની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો. આ ઉપરાંત ફેકલ્ટી ઑફ એન્જિનિયરિંગ તથા ફેકલ્ટી ઑફ કોમ્પ્યુટર સાયન્સના અધ્યાપકો, વિવિધ વિભાગોના એડમીન અને ટેકનિકલ સ્ટાફ સભ્યો, Odoo કંપનીના મેન્ટર્સ તથા હેકાથોનમાં ભાગ લેનારા સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભારતભરના યુવા ટેક્નોલોજી પ્રતિભાઓને એક જ મંચ પર લાવી નવીનતા, સર્જનાત્મકતા અને ઉદ્યોગલક્ષી સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો વિકસાવવાના હેતુથી આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાનો ઇન્ડસ્ટ્રી–એકેડેમિયા હેકાથોન વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડતરનું સુવર્ણ પ્લેટફોર્મ બની રહ્યું છે. Apply, Code, Get Placed થીમ માત્ર એક સૂત્ર નથી, પરંતુ વિદ્યાર્થીઓને પોતાની ટેક્નિકલ પ્રતિભાને રોજગારની તકમાં પરિવર્તિત કરવાની પ્રેરણાદાયી દિશા દર્શાવે છે.
કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઇન-ચાર્જ ડિરેક્ટર ડૉ.ગાર્ગી રાજપરાએ જણાવ્યું હતું કે આજના ઝડપથી બદલાતા ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ વાસ્તવિક ઉદ્યોગલક્ષી પડકારોનો સામનો કરવાની ક્ષમતા પણ જરૂરી બની છે. Odoo જેવી વૈશ્વિક કંપની સાથેનું આ આયોજન વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કાર્ય કરવાની, નવી ટેક્નોલોજી શીખવાની તથા પોતાની પ્રતિભાને સાબિત કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડશે.
આ હેકાથોનનો પ્રથમ ઓનલાઈન તબક્કો યોજાયો હતો, જેમાં દેશના 17 રાજ્યોમાંથી 261 સંસ્થાઓની 838 ટીમોના કુલ 2,120 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ભારતમાંથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદે વિદ્યાર્થીઓમાં નવીનતા અને ટેક્નોલોજી પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ રીતે દર્શાવ્યો હતો.
Odooના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા કડક મૂલ્યાંકન બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 246 સ્પર્ધકો, 76 ટીમો, 50 શૈક્ષણિક સંસ્થાઓ અને 6 રાજ્યોમાંથી પસંદગી મેળવી 24 કલાકીય ગ્રાન્ડ ફિનાલેમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફિનાલે દરમિયાન તમામ ટીમો Odoo દ્વારા આપવામાં આવેલા વાસ્તવિક ઉદ્યોગલક્ષી પડકારો માટે અદ્યતન ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ વિકસાવશે અને પોતાના પ્રોટોટાઇપ (પ્રથમ પ્રારંભિક મોડેલ ) દેશના અગ્રણી ટેક્નિકલ નિષ્ણાતો સમક્ષ રજૂ કરશે.
આ કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષણ એ છે કે હેકાથોન માત્ર ઇનામ જીતવાની સ્પર્ધા નથી, પરંતુ કારકિર્દી નિર્માણનું પ્લેટફોર્મ છે. હેકાથોન દરમિયાન ઉત્કૃષ્ટ ટેક્નિકલ કુશળતા દર્શાવનારા વિદ્યાર્થીઓને Odoo કંપની દ્વારા ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટની વિશેષ તકો આપવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે આ તકો માત્ર વિજેતા ટીમો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અન્ય સ્પર્ધકોને પણ તેમની પ્રતિભાના આધારે પસંદ કરવામાં આવશે. ફ્રેશર ઉમેદવારો માટે વાર્ષિક ₹8 લાખ સુધીના CTC સાથે રોજગારની સુવર્ણ તક પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કાર્યક્રમના પ્રારંભે કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભ એમ. પટેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની ભાવનાને વ્યક્ત કરતાં ઇન-ચાર્જ ડિરેક્ટર ડૉ. ગાર્ગી રાજપરા એવિદ્યાર્થીઓ માટે કડી સર્વ વિશ્વવિદ્યાલય તરફથી પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી તેમજ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તેમનો આત્મવિશ્વાસ અને પ્રેરણામાં નોંધપાત્ર વધારો થયો હતો. આ પ્રસંગે કડી સર્વ વિશ્વવિદ્યાલય (KSV) દ્વારા કુલ ₹2,75,000ના વિશેષ પ્રશંસા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિજેતા ટીમને ₹1,00,000, પ્રથમ રનર-અપ ટીમને ₹75,000, દ્વિતીય રનર-અપ ટીમને ₹50,000, તેમજ તૃતીય અને ચતુર્થ રનર-અપ ટીમોને ₹25,000-₹25,000ના પ્રશંસા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.
Odoo કંપની દ્વારા શ્રેષ્ઠ ત્રણ ટીમો માટે કુલ ₹1,05,000ના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. જેમાં વિજેતા ટીમને ₹45,000, પ્રથમ રનર-અપ ટીમને ₹35,000 તથા દ્વિતીય રનર-અપ ટીમને ₹25,000નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આ રીતે કડી સર્વ વિશ્વવિદ્યાલય (KSV) અને Odoo કંપની દ્વારા કુલ મળીને ₹3,80,000ના આકર્ષક રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી, જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને ઉત્સાહવર્ધક બની રહી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને Odoo કંપનીના અનુભવી ટેક્નિકલ નિષ્ણાતો, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને મેન્ટર્સ સાથે સીધો સંવાદ કરવાની તેમજ ઉદ્યોગની વર્તમાન જરૂરિયાતો, નવી ટેક્નોલોજી અને કારકિર્દીની તકો વિશે માર્ગદર્શન મેળવવાની અમૂલ્ય તક મળશે. આ હેકાથોન વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી, ટીમવર્ક, લીડરશિપ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ઉદ્યોગલક્ષી અભિગમ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પ્રેસિડેન્ટ એ જણાવ્યું હતું કે Odoo × KSV Hackathon 2026 માત્ર એક ટેક્નિકલ સ્પર્ધા નથી, પરંતુ દેશના યુવા ઇનોવેટર્સને વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની તક આપતું એક સશક્ત મંચ છે. શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનો સેતુ મજબૂત બનાવી વિદ્યાર્થીઓને રોજગારક્ષમ બનાવવાના કડી સર્વ વિશ્વવિદ્યાલયના સતત પ્રયાસોમાં આ હેકાથોન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
કડી સર્વ વિશ્વવિદ્યાલય વિશ્વાસ વ્યક્ત કરે છે કે આ રાષ્ટ્રીય કક્ષાનો હેકાથોન દેશના યુવા ઇનોવેટર્સને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે, નવી ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપશે તથા આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ