જામનગરના વિભાપરમાંથી સગીરાના અપહરણ પ્રકરણમાં પોક્સો, દુષ્કર્મની કલમનો ઉમેરો
જામનગર, 18 જુલાઈ (હિ.સ.) : જામનગર નજીકના આવેલા ગ્રામ્ય વિસ્તાર વિભાપરમાથી એક પરિવારની 12 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી જવાના કેસમાં જામનગર પોલીસે ગણતરીના 10 દિવસમાં ટેકનિકલ એનાલિસીસની મદદથી પોરબંદર ખાતેથી ભોગ બનનાર બાળકીને મુક્ત કરાવી છે. જ્યારે
ધરપકડ


જામનગર, 18 જુલાઈ (હિ.સ.) : જામનગર નજીકના આવેલા ગ્રામ્ય વિસ્તાર વિભાપરમાથી એક પરિવારની 12 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી જવાના કેસમાં જામનગર પોલીસે ગણતરીના 10 દિવસમાં ટેકનિકલ એનાલિસીસની મદદથી પોરબંદર ખાતેથી ભોગ બનનાર બાળકીને મુક્ત કરાવી છે.

જ્યારે અપહરણ કરનાર જેસીબી ચાલક આરોપીને પણ ઝડપી લીધો છે. આ કેસમાં કાયદાકીય ગાળિયો વધુ મજબૂત કરતાં આરોપી સામે અપહરણ ઉપરાંત દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમોનો ઉમેરો કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રામ્ય પંથકમાં રહેતી મહિલાની 12 વર્ષની સગીર પુત્રીને ઘર નજીક એક ચાલતા કામ ઉપર જેસીબી ચલાવતો પોરબંદરનો શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ ચિંતાજનક ઘટના અંગે ગભરાયેલી માતાએ તાત્કાલિક બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

બાળકીના અપહરણના પગલે રોષ ફેલાયો હતો અને મહિલાના સમર્થનમાં આખો સમાજ આગળ આવ્યો હતો. સ્થાનિકો દ્વારા ધરણાં યોજીને બાળકીને વહેલી તકે શોધી કાઢવા માટે પોલીસ તંત્ર પર ભારે દબાણ લાવવામાં આવ્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

માત્ર 10 દિવસની શોધખોળ બાદ પોરબંદરના આરોપી મેરામણને દબોચી લીધો હતો અને તેની ચુંગાલમાંથી બાળકીને હેમખેમ છોડાવી હતી. ભોગ બનનાર બાળકીના તબીબી પરીક્ષણ બાદ પોલીસે ગુનામાં દુષ્કર્મ સહિતની ગંભીર કલમોનો ઉમેરો કરીને આરોપીની સત્તાવાર ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande