
સુરત, 18 જુલાઈ (હિ.સ.) લિંબાયત વિસ્તારમાં રહેતી સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી તેની ઇચ્છા વિરુદ્ધ અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. નરાધમ યુવકે સગીરાને 18 વર્ષની થઈ ગયા બાદ ભગાડીને લગ્ન કરી લેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જો કે, સગીરાએ તેની સાથે સંબંધ તોડી નાંખતા આત્મહત્યા કરવાની અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે નરાધમ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, લિંબાયત, સરદારનગરમાં રહેતા કૈફ આસીફ શેખ તેના વિસ્તારમાં રહેતી 17 વર્ષ 11 મહિનાની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ગત બે વર્ષથી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. કૈફએ સગીરાને તું 18 વર્ષની થઈ જશ પછી હું તારી સાથે કોર્ટ મેરેજ કરી લઈશ તેમ કહી તેની ઇચ્છા વિરુદ્ધ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જ્યારે સગીરાએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી ત્યારે તેણી તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, આરોપી કૈફે સગીરાને જો તે મળવા નહીં આવે તો પોતે હાથની નસ કાપીને આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી સતત માનસિક ત્રાસ આપતો હતો.
આ ધમકીઓથી કંટાળીને આખરે સગીરાએ કૈફ શેખ સાથેનો સંપર્ક બંધ કરી દીધો હતો. અને સમગ્ર્ બનાવ અંગે સગીરાના પરિવારની ફરિયાદને આધારે પોલીસે કૈફ શેખ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે