આઝાદીના 79 વર્ષ બાદ કેવડી-કુંડ ગામે પહોંચી એસ.ટી. બસ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ
સુરત, 18 જુલાઈ (હિ.સ.) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કેવડી અને કુંડફળિયા ગામના ગ્રામજનોને આઝાદીના 79 વર્ષ બાદ એસ.ટી. બસ સેવાની સુવિધા મળી છે. વાંકલથી ઈશનપુર-કેવડી રૂટ પર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી.) દ્વારા નિ
79 વર્ષ બાદ કેવડી-કુંડ ગામે પહોંચી એસ.ટી. બસ


સુરત, 18 જુલાઈ (હિ.સ.) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કેવડી અને કુંડફળિયા ગામના ગ્રામજનોને આઝાદીના 79 વર્ષ બાદ એસ.ટી. બસ સેવાની સુવિધા મળી છે. વાંકલથી ઈશનપુર-કેવડી રૂટ પર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી.) દ્વારા નિયમિત બસ સેવા શરૂ થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

અત્યાર સુધી કેવડી અને કુંડફળિયા ગામના ધોરણ 6થી 8માં અભ્યાસ કરતા આશરે 25 વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ મળતી ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ થતાં ઈશનપુરની ઉચ્ચ પ્રાથમિક શાળાએ પહોંચવા માટે દરરોજ અંદાજે 4 કિલોમીટર સુધી પગપાળા જવું પડતું હતું. આ મુશ્કેલી અંગે વાલીઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી.

ગ્રામજનોની માંગને ધ્યાનમાં રાખી ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતીના પ્રયાસોથી આ બસ સેવા શરૂ કરવામાં આવી છે. માંડવી ડેપોના મેનેજર ગામીતભાઈના સહકારથી વાંકલ-ઈશનપુર-કેવડી રૂટ પર સવારે અને સાંજે નિયમિત એસ.ટી. બસ દોડશે.

નવી બસ સેવા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ કેવડી-કુંડ વિસ્તારના તમામ ગ્રામજનો માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બસ સેવા શરૂ થતાં વાલીઓ, વિદ્યાર્થીઓ, સ્થાનિક આગેવાનો, ઈશનપુર ગામના સરપંચ તથા શાળાના આચાર્ય હિતેન્દ્રભાઈ ચૌધરીએ રાજ્ય સરકાર અને જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande