
સુરત, 18 જુલાઈ (હિ.સ.) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવતી પ્રતિષ્ઠિત 'શોધ (SHODH) ફેલોશિપ' મેળવનાર 41 સંશોધક વિદ્યાર્થીઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને અને કુલસચિવની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં તમામ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વર્ષે યુનિવર્સિટીના 14 વિવિધ શૈક્ષણિક વિભાગોમાંથી કુલ 46 સંશોધક વિદ્યાર્થીઓએ 'શોધ ફેલોશિપ' માટે અરજી કરી હતી. મૂલ્યાંકન બાદ રેકોર્ડબ્રેક 41 વિદ્યાર્થીઓની અંતિમ પસંદગી થતાં યુનિવર્સિટીએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા યુનિવર્સિટીમાં ઉપલબ્ધ સંશોધનમૈત્રી વાતાવરણ, અનુભવી માર્ગદર્શકોના માર્ગદર્શન અને ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તાનું પ્રતિબિંબ માનવામાં આવે છે.
પ્રસંગે કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, સંશોધન માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ જ્ઞાનની નવી દિશાઓ ખોલીને સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે વિદ્યાર્થીઓને તેમના ભાવિ સંશોધનમાં નવીનતા, વૈશ્વિક ગુણવત્તા અને સામાજિક ઉપયોગિતાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમના અંતે તમામ 41 સંશોધક વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અધ્યાપકો અને યુનિવર્સિટી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રાષ્ટ્રહિતના સંશોધન ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે