
વડોદરા,18 જુલાઈ (હિ.સ.) ડેસર તાલુકાના વાંકાનેડા ગામ ખાતે ગેરકાયદે રેતી ખનન સામે વડોદરા જિલ્લા ખાણ અને ખનિજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, કલેક્ટર અને વડોદરાના ભૂસ્તરશાસ્ત્રી નીરજ ગામિતના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનિજ વિભાગની ટીમે મેસરી નદીના પટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બિનઅધિકૃત રીતે રેતી ખનન થતું હોવાનું સામે આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન વિભાગે 2 હિટાચી મશીન અને 3 ડમ્પર સહિત કુલ અંદાજે રૂ. 1 કરોડ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ખાણ અને ખનિજ વિભાગે જપ્ત કરાયેલા વાહનોનો કબજો લઈ સંબંધિત નિયમો મુજબ દંડની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ ગેરકાયદે ખનનમાં સંડોવાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે આવી જ પ્રકારની કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ