

વડોદરા,18 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી 'ફોન બુક' મોબાઇલ શોપને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મોબાઇલ ફોન અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ચોરીની જાણ થતાં વેપારીએ 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો, પરંતુ પ્રાથમિક પોલીસ કાર્યવાહી અંગે વેપારીએ સવાલો ઉઠાવ્યા છે.
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે આશરે 7:30 વાગ્યે દુકાનના માલિક ધર્મેન્દ્ર ત્રિલોકાની દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે દુકાનનું શટર તૂટેલું જોવા મળ્યું હતું. અંદર તપાસ કરતાં ચોરી થઈ હોવાનું સામે આવતા તેમણે તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર જાણ કરી અને દુકાનના કર્મચારીઓને પણ સ્થળ પર બોલાવ્યા હતા.
વેપારીના જણાવ્યા અનુસાર, લગભગ અડધા કલાક બાદ પોલીસકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, તેમણે ઘટનાસ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરવા અથવા CCTV તથા અન્ય ટેક્નિકલ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરવાને બદલે, પહેલા સ્ટોકની ગણતરી કરો અને ત્યારબાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવો તેવી સલાહ આપી સ્થળ પરથી નીકળી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ દુકાનના કર્મચારીઓએ લગભગ ત્રણ કલાક સુધી સ્ટોકની ગણતરી કરી હતી. પ્રાથમિક ગણતરીમાં 30 લાખથી વધુ કિંમતના બ્રાન્ડેડ મોબાઇલ ફોન તથા રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે સ્ટોર મેનેજર મંકેશ રાજપુતે ઘટનાની વિગતો આપી હતી. હાલ ચોરી અંગે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને પોલીસ દ્વારા CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે તસ્કરોને શોધવા તપાસ શરૂ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ