
સુરત, 18 જુલાઈ (હિ.સ.) શહેરના ગોપીપુરા વિસ્તારમાં ગત સાંજે બનેલી એક ઘટનાને પગલે અફરાતફરી અને ચિંતાનો માહોલ ફેલાય ગયો હતો.એક એપાર્ટમેન્ટની લિફ્ટ અચાનક લોક થઈ જતાં તેમાં ત્રણ માસૂમ બાળકો ફસાઈ ગયા હતા. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશો અને બાળકોના પરિવારજનોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરના જવાનોએ ત્રણેય બાળકોને ગણતરીની મિનિટોમાં જ સુરક્ષિત બહાર કાઢી લેતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપીપુરા વિસ્તારમાં સુભાષ ચોક નજીક મણીભદ્ર એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટ આવેલું છે.દરમ્યાન ગત સાંજે એપાર્ટમેન્ટના બીજા માળે કોઈ ટેક્નિકલ કારણોસર લિફ્ટનો દરવાજો અચાનક જામ થઈને લોક થઈ ગયો હતો. લિફ્ટ જ્યારે બંધ પડી ત્યારે તેની અંદર ત્રણ નાના બાળકો સવાર હતા. લિફ્ટ બંધ થઈ જતાં અને અંદર અંધારું થઈ જતા બાળકો ગભરાઈ ગયા હતા અને તેમણે રડવા સાથે બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. બાળકોનો અવાજ સાંભળીને આસપાસના રહીશો તરત જ દોડી આવ્યા હતા અને લિફ્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ દરવાજો અંદરથી મજબૂત રીતે લોક થઈ ગયો હોવાથી સફળતા મળી ન હતી. જયારે લિફ્ટની અંદર ફસાયેલા બાળકો દિવ્યાંશ, જીવાંશ અને મિલન નાઓના માતા પિતા સહીત પરિવારજનો બહુજ ઘબરાય ગયા હતા ઘટનાની ગંભીરતા અને માસૂમ બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને ટૂંકા ગાળામાં સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન અત્યંત કુશળતાપૂર્વક સફળતાપૂર્વક પાર પાડી દીધું હતું અને સ્પેશિયલ ટૂલ્સનો ઉપયોગ કરીને લિફ્ટનો દરવાજો ખોલી ત્રણેય બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.બાળકોને સુરક્ષિત જોઈ માતા પિતા રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે