
જામનગર, 18 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના ગોકુલનગર શેરી નં.11 માં ગત્ રાત્રિના સમયે ગાળો બોલવાની આશંકાએ યુવાન ઉપર છરીના જીવલેણ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. તેમજ મૃતકના ભાઈને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે બે મહિલા સહિત સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી અવાર-નવાર મારામારી અને માથાકૂટના બનાવો બનતા રહે છે. આ વિસ્તારમાં લુખ્ખાગીરી અનહદ વકરી રહી છે. જીવલેણ હુમલા અને મારામારીના બનાવો તો સાવ સામાન્ય થઈ ગયા છે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે જામનગર શહેરના ગોકુલનગર શેરી નંબર-11 માં ગીરીરાજ પાનની બાજુમાં રહેતાં પ્રદિપસિંહ જશાજી જેઠવાના શેરીમાં અમુક શખ્સો અંદરોઅંદર ગાળાગાળી કરતા હતા.
આ ગાળાગાળીની આશંકાએ પ્રદિપસિંહ જેઠવાના ઘર પાસે આવીને સોનુબા ગુમાનસિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલા, જોષનાબા અને જોષનાબાના પતિ સહિતના સાત શખ્સો વાતો કરતા હતાં તે દરમિયાન પ્રદિપસિંહ જશાજી જેઠવા નામના યુવાન ઉપર પ્રદિપસિંહ જાડેજાએ તેની પાસે રહેલી છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા પ્રદિપસિંહ લોહીલુહાણ હાલતમાં ઘર પાસે ઢળી પડયો હતો. તેમજ મૃતક પ્રદિપસિંહના ભાઈ મયુરસિંહને પણ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી.
તે દરમિયાન બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા તેના ઘર બહાર બોલાચાલી અને દેકારો થતા બહાર દોડી આવ્યો હતો. જ્યાં તેનો સગો ભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલો જોવા મળતા તેને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રદિપસિંહનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની જાણ થતા પીઆઈ એન.બી. ડાભી તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ બાબુ ઉર્ફે રણજીતસિંહ જેઠવાના નિવેદનના આધારે સોનુબા ગુમાનસિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલા, જોષનાબા અને જોષનાબાના પતિ સહિતના સાત શખ્સો વિરૂધ્ધ હત્યા અને રાયોટીંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt